આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડ જ આગ ઓલવવામાં અક્ષમ

12 May, 2022 10:56 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

આ કિસ્સો બન્યો નવી મુંબઈના એમઆઇડીસી ફાયર સ્ટેશન સાથે. ગયા અઠવાડિયે કેમિકલ અને રબર ફૅક્ટરીમાં આગ લાગી ત્યારે બે મિનિટના અંતર પર જ તેઓ તહેનાત હોવા છતાં ફાયર એન્જિન જ કામ ન કરતાં હોવાથી કંઈ ન કરી શક્યા. તેઓ સીએમ સુધી ફરિયાદ કરી ચૂક્યા છે

ટેક્નિકલ ફૉલ્ટ આવવાથી બંધ ફાયર એન્જિન. આગ લાગી ત્યારે જ એ કામમાં આવ્યું નહોતું

નવી મુંબઈના ખૈરણે એમઆઇડીસીની કેમિકલ અને રબર ફૅક્ટરીમાં ગયા અઠવાડિયે ભીષણ આગ ફાટી નીકળી હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. નવાઈની વાત એ હતી કે જે જગ્યાએ આગ લાગી હતી એનાથી માત્ર બે જ મિનિટના અંતરે એમઆઇડીસીનું ફાયર સ્ટેશન આવ્યું હતું, પણ ખાટલે મોટી ખોડ એ હતી કે વર્ષો સુધી એના મેઇન્ટેનન્સ પર ધ્યાન ન આપવામાં આવતાં એનાં બે ફાયર એન્જિન અને એક ઍમ્બ્યુલન્સ ધૂળ ખાતાં પડી રહ્યાં છે. એટલું જ નહીં, એનાં અન્ય ઇક્વિપમેન્ટ્સ પણ વર્કિંગ કન્ડિશનમાં નથી. ફરિયાદ તો ત્યાં સુધી હતી કે કર્મચારીઓને યુનિફૉર્મ પણ લાંબા સમયથી અપાયા નથી. એ ફાયર સ્ટેશન એમઆઇડીસી દ્વારા તૈયાર કરીને આપવામાં આવ્યું હતું, પણ એને મેઇન્ટેઇન કરવાની જવાબદારી થાણે બેલાપુર ઇન્ડસ્ટ્રિયલ અસોસિએશનની હતી જે તેમણે બરોબર બજાવી ન હોવાની ફરિયાદ ફાયર સ્ટેશનના કર્મચારીઓ દ્વારા જ કરાઈ હતી. જોકે તેમની એ ફરિયાદ પછી પણ પરિસ્થિતિમાં ખાસ કોઈ ફરક નથી પડ્યો. હવે એ સંદર્ભે ચણભણાટ થતાં રહી-રહીને અસોસિએશનના પદાધિકારીઓએ એક ફાયર એન્જિન સમારકામ કરવા મોકલાવ્યું છે અને એ આજકાલમાં ડિલિવર થવાનું છે એમ જણાવ્યું છે.  

ખૈરણે એમઆઇડીસીમાં આવેલા એમઆઇડીસીના એ ફાયર સ્ટેશનના કર્મચારી અભયકાંત મિશ્રાએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણે બેલાપુર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પચીસ વર્ષ પહેલાં ફાયર સ્ટેશન નહોતું અને જો કોઈ આગ લાગે તો વાશી અને અન્ય જગ્યાએથી ફાયર એન્જિન બોલાવવા પડતાં હતાં. એથી ૧૯૯૫-’૯૬માં એમઆઇડીસી દ્વારા ખૈરણે એમઆઇડીસીમાં આ ફાયર સ્ટેશન બનાવી આપવામાં આવ્યું હતું. એની સાથે જ બે ફાયર એન્જિન અને એક ઍમ્બ્યુલન્સ પણ આપવામાં આવ્યાં હતાં. જોકે એને મેઇન્ટેઇન થાણે બેલાપુર ઇન્ડસ્ટ્રિયલ અસોસિએશને કરવાનું હતું. વર્ષો સુધી એ વાહનો સાથે કામ ચાલી રહ્યું હતું. જોકે એમાંનું મુખ્ય ફાયર એન્જિન પાંચ વર્ષ પહેલાં ટેક્નિકલ ખામી આવતાં બંધ પડી ગયું હતું.

ઍમ્બ્યુલન્સ પણ મેઇન્ટેનન્સના અભાવે ધૂળ ખાતી પડી છે. અમે એક ફાયર એન્જિનના આધારે ગાડું ગબડાવ્યે જતા હતા. જોકે એ એકમાત્ર ચાલુ ફાયર એન્જિન પણ અઢી મહિનાથી બંધ પડી ગયું હતું. ગયા અઠવાડિયે અમને કેમિકલ ફૅક્ટરીની આગનો કૉલ મળ્યો ત્યારે એ સ્પૉટ અમારાથી માત્ર દોઢથી બે જ મિનિટના ડ્રાઇવના અંતરે હતું, પણ અમે લાચાર હતા. અમારી પાસે આગ ઓલવવા ફાયર એન્જિન જ નહોતું. એથી અમે અન્ય ફાયર સ્ટેશન રબાળે અને પૌણેને જાણ કરી હતી. તેમને જાણ કર્યા બાદ એમને સ્પૉટ પર પહોંચતાં સહેજે ૩૫થી ૪૦ મિનિટ નીકળી ગઈ હતી અને ઍક્ચ્યુઅલ હોઝ લગાડીને પાણીનો મારો ચલાવવામાં પણ થોડીક મિનિટો નીકળી ગઈ હતી. એ આગ કેમિકલ ફૅક્ટરી અને રબર ફૅક્ટરીમાં હતી. એથી બહુ જ ઓછા સમયમાં એણે ભયાનક રૂપ પકડી લીધું હતું. જો એના પર વહેલી તકે પગલાં લેવાયાં હોત તો આગનો વ્યાપ બહુ વધત નહીં અને નુકસાન ઓછું થાત. અમારા ફાયર એન્જિનનું સામારકામ કરવામાં આવે, અમને પ્રૉપર સારાં ઇક્વિપમેન્ટ્સ મળે એ માટે અમે અસોસિએશનમાં અવારનવાર રજૂઆત કરી છે, પણ અમારી રજૂઆતને કોઈ ગણકારતું જ નથી. આ મુદ્દો ફક્ત અમારો નથી, લોકોના જાનમાલનો અને સુરક્ષાનો સવાલ છે. અમે એમઆઇડીસી સહિત અમારા વિસ્તારના ભૂતપૂર્વ નગરસેવકના થ્રૂ લાગતાવળગતા સરકારી ડિપાર્ટમેન્ટ અને ઈવન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ રજૂઆત કરી છે, પણ હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ઘણી વાર તો એવું થાય છે કે આગ લાગતાં જ કેટલાક લોકો મદદ માટે અહીં દોડી આવે છે અને ફાયર એન્જિન લઈને સાથે ચાલો એમ કહે છે. અમે જ્યારે તેમને ના પાડીએ છીએ ત્યારે તે લોકો અમને ગાળો ભાંડે છે અને ક્યારેક તો મારવા પણ દોડે છે. તેમને ત્યાં આગ લાગી હોય એથી તેઓ લોકો બેબાકળા બનીને અમારી પાસે મદદની આશાએ આવે અને મદદ ન મળે ત્યારે ઉશ્કેરાઈ જતા હોય છે, પણ અમારી પાસે ફાયર એન્જિન કે સાધનો જ નથી તો અમે પણ શું કરીએ?’    

આ બાબતે અસોસિએશનનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ રઘુનાથ એમ. કેડિયાએ કહ્યું હતું કે ‘આ ફાયર સ્ટેશન અમે પચીસ વર્ષથી ચલાવી  રહ્યા હતા. થોડા વખતથી ઇશ્યુ છે એ અમે જાણીએ છીએ, પણ હવે નજીકમાં જ બે નવાં ફાયર સ્ટેશન એક તુર્ભેમાં અને એક બીજું એમ બન્ને ચાલુ થઈ ગયાં છે. ગયા અઠવાડિયે પણ આગ લાગી ત્યારે અમે એ ફાયર સ્ટેશનને કૉલ ટ્રાન્સફર કરીને ઝડપથી ત્યાં પહોંચવા જણાવ્યું હતું. ફાયર એન્જિનો બંધ છે એ સાચી વાત છે અને અમે કબૂલ કરીએ છીએ. જોકે હવે એમાંના એક ફાયર એન્જિનને અમે બાફના મોટર્સમાં સમારકામ કરાવવા મોકલ્યું છે. આજકાલમાં જ એ ડિલિવર થવાની શક્યતા છે. એથી હાલ કામ અટકી નહીં પડે એવી આશા છે.’ 

mumbai mumbai news navi mumbai bakulesh trivedi