04 November, 2025 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મલાડ અને મઢ આઇલૅન્ડમાં આવેલાં ૧૦ તળાવોમાંથી કાદવ અને ગંદકી દૂર કરીને તળાવોના નવીનીકરણના પ્રોજેક્ટને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મૉડલ દ્વારા વેગ આપવામાં આવશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આ તળાવો માટે તૈયાર કરેલા સ્ટડી-પ્લાનને કેન્દ્રીય પ્રધાન અને મુંબઈ નૉર્થના સંસદસભ્ય પીયૂષ ગોયલ સમક્ષ રજૂ કર્યો હતો. પીયૂષ ગોયલે આ પ્રોજેક્ટ માટે ભંડોળ મેળવવાના આગામી તબક્કા વિશે ચર્ચા કરી હતી.
છ મહિના અગાઉ મલાડનાં તળાવોના બ્યુટિફિકેશન અંગે પીયૂષ ગોયલે જાહેરાત કરી હતી. ત્યાર બાદ BMCએ કેમિકલ ટેસ્ટિંગ, ઇકૉલૉજિકલ સર્વે અને સાઇટ-વિઝિટ કરીને દરેક તળાવ માટેનો વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો હતો. BMCએ મલાડ અને મઢ આઇલૅન્ડનાં કુલ ૧૦ તળાવના નવીનીકરણ માટેના ભંડોળનો અંદાજ પણ રજૂ કર્યો હતો. એ મુજબ દરેક તળાવ માટે સરેરાશ ત્રણથી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ છે. BMC આ માટે PPP મૉડલ હેઠળ પ્રપોઝલ મૂકીને ડોનર-ફન્ડિંગ માટેની પ્રક્રિયા હાથ ધરશે.
અત્યારે તળાવોની શું હાલત છે?
મનોરીમાં આવેલા કજરાઈદેવી તળાવમાં લોકો વાસણ-કપડાં ધુએ છે અને ગણપતિની મૂર્તિઓનું વિસર્જન પણ કરે છે. આ તળાવનો વપરાશ હોવાને કારણે ૧.૫ કરોડ રૂપિયા જેવા ઓછા ખર્ચે નવીનીકરણ શક્ય છે.
માર્વે રોડ પર આવેલા કમળ તળાવમાં ગટરનું પાણી છોડાતું હોવાથી અહીં સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરવા સાથે આસપાસના પરિસરને પબ્લિક-પ્લેસ તરીકે ડેવલપ કરવાનો પ્રસ્તાવ છે, જેનો અંદાજિત ખર્ચ ૧૦ કરોડ રૂપિયા સુધી થશે.
મઢમાં હર્બાદેવી તળાવનો કોઈ ઉપયોગ થતો નથી અને લોકો ગંદકી ફેલાવે છે તો વલણ તળાવનો સ્થાનિકો દ્વારા સારો ઉપયોગ
થાય છે.
માલવણીના અલી તળાવમાં ગંદકીને લીધે મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ છે.
ધરવલી, સુમલાઈ, ખરતળે અને ઇરન્ગલ તળાવોને સ્થાનિકો દ્વારા ઉપયોગમાં લેવાતાં નથી અને મોટા ભાગે ઉકરડાની જેમ ઉપયોગમાં લેવાય છે.