૨૫ ફુટની હવાઉજાસ વિનાની રૂમમાં ગોંઘી રાખવામાં આવી ૧૧ બારગર્લ

05 December, 2021 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડમાં આવેલા ગાંધર્વ બારની આ ગુપ્ત રૂમ શોધવામાં પોલીસને ચાર કલાક લાગ્યા: સુધરાઈએ પોલીસની મદદથી કાર્યવાહી કરીને ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું

મીરા રોડમાં આવેલા ગાંધર્વ બાર સામે કરવામાં આવેલી પોલીસ અને સુધરાઈની કાર્યવાહી. ૨૦૧૮માં પણ આ જ બારમાં ગુપ્ત રૂમો પકડાઈ હતી.

રાજ્યમાં ૨૦૦૬માં એટલે કે ૧૫ વર્ષ પહેલાં ડાન્સબાર પર પ્રતિબંધ મુકાયા બાદ પણ મીરા રોડ અને ભાઈંદરમાં કેટલાક બારમાં ગેરકાયદે ડાન્સબાર ધમધમે છે. રાત્રે ૧૨.૩૦ વાગ્યે બાર બંધ થઈ ગયા બાદ કેટલાક બારમાં કાયમી કસ્ટમરો માટે બારડાન્સરોને બોલાવીને ડાન્સ કરાવાતો હોવાની માહિતી મળ્યા બાદ ગુરુવારે મોડી રાત્રે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક બાર પર કાર્યવાહી કરી હતી. બારમાં એ સમયે ચાર યુવતી મળી આવી હતી, પરંતુ પંદર યુવતીઓ હોવાની ખાતરી હોવાથી પોલીસે ચાર કલાક સુધી સઘન તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો બારની અંદર લોખંડના દરવાજાવાળો એક છૂપો રૂમ છે. આ રૂમનો દરવાજો ખોલતાં એમાંથી ૧૧ યુવતીઓ મળી આવી હતી. શ્વાસ પણ ન લઈ શકાય એવી આ ૨૫ ફૂટની રૂમમાં આટલી યુવતીઓને છુપાવવામાં આવી હતી. પોલીસે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની મદદથી આ ગુપ્ત રૂમની સાથે બારમાં ગેરકાયદે કરાયેલું બાંધકામ તોડી નાખ્યું હતું અને બારના સંચાલકો સામે ફરિયાદ નોંધીને કેટલાક લોકોની ધરપકડ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે ૨૦૧૮માં પણ આ જ બારમાં ગુપ્ત રૂમો પકડાઈ હતી. 
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૧ની ટીમને બાતમી મળી હતી કે મીરા રોડમાં ગીતાનગરમાં જૂના પેટ્રોલ-પમ્પ પાસે આવેલા ગાંધર્વ બારમાં મોડી રાત સુધી ગેરકાયદે ડાન્સબાર ચાલે છે. આથી ગુરુવારે મોડી રાત્રે ૧૨ વાગ્યે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીં કાર્યવાહી માટે પહોંચી હતી. એ સમયે બારની અંદર ચાર બારબાળા જ જોવા મળી હતી. આખા બારમાં તપાસ કર્યા બાદ પણ બીજી બારગર્લ દેખાઈ નહોતી. ટીપ ૧૫થી વધુ બારગર્લ હોટેલમાં હોવાની હતી એટલે પોલીસની ટીમે બારની દરેક દીવાલ અને દરવાજાને ઠોકી-ઠોકીને તપાસ્યાં હતાં. ત્યારે એક ઇલેક્ટ્રિક દરવાજાની પાછળ ગુપ્ત રૂમ હોવાની શંકા જતાં એને ખોલવામાં આવતાં એમાંથી ૧૧ બારગર્લ ઘેટાં-બકરાંની જેમ નાનકડી જગ્યામાં છુપાઈને બેસેલી જોવા મળી હતી. બાદમાં પોલીસે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અતિક્રમણ વિભાગને ઘટનાસ્થળે બોલાવીને બારના ગેરકાયદે બાંધકામને તોડાવ્યું હતું.

ભાઈંદર વિભાગના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર શશિકાંત ભોસલેએ કહ્યું હતું કે ‘ગાંધર્વ બારની અંદરની નાનકડી એટલે કે માત્ર ૨૫ ફુટની જગ્યામાં હવાઉજાસ વિનાની રૂમમાંથી ૧૧ બારગર્લ મળી આવી હતી. આ રૂમનો દરવાજો ખોલવા માટે તાળું કે બીજું કોઈ હૅન્ડલ નહોતું. હોટેલના સ્ટાફની પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ દરવાજો ઇલેક્ટ્રિક સિસ્ટમથી ઓપન થાય છે. વધારે સમય સુધી અહીં કોઈ રહે તો તેના જીવનું જોખમ ઊભું થઈ શકે છે. અમે બારબાળાઓને ગાંધર્વ બારમાંથી બહાર કાઢીને મહિલા સુધારગૃહમાં મોકલી આપી છે. બારના સંચાલક અને માલિકો સામે ગેરકાયદે બાંધકામની સાથે ગેરકાયદે ડાન્સબાર ચલાવવા બદલ આઇપીસીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.’
રેગ્યુલર કસ્ટમરને જ એન્ટ્રી
બાર અને રેસ્ટોરાં ૧૨.૩૦ વાગ્યે બંધ થઈ જાય છે. જોકે સ્પેશ્યલ અને રેગ્યુલર ક્સ્ટરો માટે એ પછી ડાન્સબાર શરૂ કરવામાં આવતા હોવાનું પોલીસની તપાસમાં જણાયું છે. પોલીસ અચાનક ત્રાટકે તો બારગર્લ્સને છુપાવવા માટે છૂપી રૂમ બનાવાઈ હતી. લોકલ પોલીસની કાર કે જીપ બારની નજીક દેખાય તો તરત જ બારબાળાઓને આવી રૂમોમાં મોકલી દેવાય છે. સામાન્ય સ્થિતિ હોય તો સવારના પાંચ વાગ્યા સુધી ડાન્સબારની સાથે પ્રોસ્ટિટ્યુશન ચાલતું હોવાનું પોલીસની તપાસમાં જણાયું છે.

mumbai mumbai news mira road mumbai police