27 October, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ હાઇવે ઑથોરિટી અને હાઇવે પોલીસે સંયુક્ત કામગીરી કરીને મુંબઈ-ગોવા નૅશનલ હાઇવે પર ઇન્દાપુરથી લઈને કશેડી બંગલા વચ્ચે જ્યાં અકસ્માત થતા હતા એવા ૧૧ બ્લૅક સ્પૉટ શોધી કાઢ્યા હતા અને એ દૂર કર્યા હતા. એથી હવે મુંબઈ-ગોવા હાઇવે વધુ સુરિક્ષત બન્યો છે.
ઘણાં વર્ષોથી ઇન્દાપુરથી કશેડી બંગલા વચ્ચે અકસ્માત થતા હતા અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. છેલ્લા કેટલાક વખતથી હાઇવે પોલીસે આ અકસ્માતોની વિગત એકઠી કરીને અભ્યાસ કર્યો હતો અને આખરે જ્યાં વધારે અકસ્માત થતા હતા એ ૧૧ બ્લૅક સ્પૉટ શોધી કાઢ્યા હતા અને જેને કારણે અકસ્માત થતા હતા એ કારણો દૂર કર્યાં હતાં. એ સિવાય અકસ્માતવાળા સ્પૉટ આવે એ પહેલાં જ ડ્રાઇવરને એની જાણ થાય એ માટે એ દર્શાવતાં સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યાં હતાં. વાહનોની સ્પીડ પર અંકુશ મૂકવા ત્યાં સ્પીડબ્રેકર પણ બનાવવામાં આવ્યાં છે. આમ કરીને અકસ્માતો રોકવાનો અને ઓછા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી મુંબઈ-ગોવા હાઇવે ૪ લેનનો કરવાનું કામ ચાલી રહ્યું છે જે હવે અંતિમ તબક્કામાં છે.