નવી મુંબઈ અને થાણેમાં છેલ્લા ત્રણ દિવસમાં ચેઇન-સ્નૅચિંગની ૧૨ ઘટના

02 March, 2026 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાંજે અને વહેલી સવારે એકલદોકલ જતા લોકો નિશાન બનતા હોવાથી પોલીસે સાવચેત રહેવાની અપીલ કરી

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ અને થાણેમાં છેલ્લા ૩ દિવસમાં ચેઇન-સ્નૅચિંગની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર થાણેમાં કુલ ૭ જગ્યાએ અને નવી મુંબઈમાં પાંચ જગ્યાએ એમ બન્ને વિસ્તારમાં કુલ ૧૨ જેટલી ચેઇન-સ્નૅચિંગની ઘટનાઓ વિવિધ પોલીસ-સ્ટેશનોમાં નોંધાઈ છે જેને પગલે નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને સાંજના સમયે અને વહેલી સવારે એકલદોકલ જતા લોકો નિશાન બનતા હોવાની માહિતી સામે આવતાં પોલીસે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ખાસ કરીને એકલા જતી વખતે સોનાના દાગીના ખુલ્લા ન રાખવાની, શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અને જાહેર સ્થળોએ વધુ ચેતનાશીલ રહેવાની સૂચના આપવામાં આવી છે.

થાણેના માનપાડા વિસ્તારમાં રહેતાં ૫૩ વર્ષનાં ગુજરાતી મહિલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે હું મૉર્નિંગ વૉક પર નીકળી હતી ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે લોકો માનપાડા સિગ્નલ નજીક પળવારમાં મારી દોઢ તોલાની સોનાની ચેઇન ઝૂંટવીને ભાગી ગયા હતા. તેમણે એટલી જોરથી ચેઇન ખેંચી હતી કે મારા ગળામાં માર પણ લાગ્યો હતો. અંતે મેં મારી ફરિયાદ કાપુરબાવડી પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’

થાણેના ઘોડબંદર વિસ્તારમાં તેમ જ પનવેલ અને ખારઘર વિસ્તારમાં સૌથી વધુ ચેઇન-સ્નૅચિંગની ઘટનાઓ ૩ દિવસમાં નોંધાઈ છે જેનાથી આ વિસ્તારો સંવેદનશીલ ગણાઈ રહ્યા છે. ઉપરાંત તુર્ભે, સાનપાડા અને કોપરખૈરણે વિસ્તારમાં પણ તાજેતરમાં આવી ઘટનાઓ સામે આવી છે. થાણેના 

નૌપાડા, કોપરી અને વાગળે એસ્ટેટ વિસ્તારમાં પણ ચેઇન-સ્નૅચિંગની ફરિયાદો પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. આ વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસે પૅટ્રોલિંગમાં વધારો કર્યો છે અને શંકાસ્પદ વાહનો તથા વ્યક્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

mumbai news mumbai thane crime thane mumbai police navi mumbai