18 February, 2026 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક ચોંકાવનારી ઘટનામાં વસઈમાં ૧૫ વર્ષના એક છોકરાએ તેના સગીર મિત્ર સાથે મળીને તેની ૬૫ વર્ષની ફઈએ ઠપકો આપ્યો હોવાથી તેની હત્યા કરી નાખી હતી. માણિકપુર પોલીસે આ ગુનાના સંદર્ભમાં બન્ને સગીરોની ધરપકડ કરી છે.
દુર્ગા બનસોડે વસઈ-વેસ્ટના બરહમપુર ગામના ભિમાઈ બંગલામાં એકલાં રહેતાં હતાં, જ્યારે તેમની પરિણીત દીકરી બોઇસરમાં રહે છે અને તેમનો પુત્ર વાલિવમાં રહે છે. દુર્ગા બનસોડે ઘરનું ગુજરાન જાતે જ ચલાવતાં હતાં. સોમવારે સવારે બંગલાની અંદર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
માણિકપુર પોલીસે તપાસ દરમ્યાન શોધી કાઢ્યું કે દુર્ગા બનસોડેનો ૧૫ વર્ષનો ભત્રીજો વારંવાર તેમની પાસે જતો હતો. એથી તેની પૂછપરછ કરવામાં આવતાં તેણે હત્યાની કબૂલાત કરી લીધી હતી.
માણિકપુર પોલીસના જણાવ્યા મુજબ ‘રવિવારે ભત્રીજો હંમેશની જેમ તેની ફઈને મળવા ગયો હતો. એક નાની વાત પર તેમનો ઝઘડો થયો અને દુર્ગા બનસોડેએ તેને ઠપકો આપ્યો હતો. એથી ગુસ્સે થઈને ભત્રીજાએ પોતાના મિત્રને બોલાવ્યો હતો. એ પછી તેણે ફઈના માથાના પાછળના ભાગમાં બામ્બુનો ફટકો માર્યો હતો, જેનાથી તેમનું તાત્કાલિક મૃત્યુ થયું. બન્ને સગીરોએ મૃતદેહને બેડના સ્ટોરેજ-કમ્પાર્ટમેન્ટમાં છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ ગયા. ત્યાર બાદ તેઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પોલીસે ખુલાસો કર્યો કે ભત્રીજો સ્કૂલ છોડી ચૂક્યો છે. આ તેની ફઈ સાથેનો પહેલો ઝઘડો નહોતો, ત્રણ મહિના પહેલાં તેણે તેના ઘરે ચોરી કરી હોવાનો આરોપ છે. એ ઘટના બાદ દુર્ગા બનસોડેએ સલામતી માટે તેમના બધા દાગીના બૅન્ક-લૉકરમાં ખસેડી દીધા હતા.’