કેબલમાં લીકેજને લીધે કરન્ટ પાણીમાં પાસ થયો અને ટીનેજરનું થયું મૃત્યુ

18 August, 2022 10:49 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વિરારમાં રહેતી ૧૫ વર્ષની તનિષ્કા ક્લાસમાં જવા નીકળી ત્યારે વરસાદ પડી રહ્યો હતો અને બિલ્ડિંગની નીચે પાણી ભરાઈ ગયું હતું જેમાં પગ મૂકતાં જ તેને વીજળીનો કરન્ટ લાગ્યો

વિરારમાં પાણીમાં કરન્ટ લાગતાં ૧૫ વર્ષની ટીનેજર તનિષ્કા કાંબળે (જમણે,) એ જીવ ગુમાવ્યા બાદ ગઈ કાલે તેના ઘર પાસે લોકો ભેગા થયા હતા.

વસઈ-વિરારમાં મહાવિતરણની સર્વિસ લોકોને રોજ કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરાવતી હોય છે. કલાકો વીજળી જતી રહેવાથી લઈને મસમોટું વીજળીનું બિલ આવવું અને મહાવિતરણની લાપરવાહીને કારણે ટ્રાન્સફૉર્મરમાંથી કરન્ટ લાગવો જેવા અનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે. જોકે વિરારમાં રહેતી ૧૫ વર્ષની ટીનેજર તનિષ્કા કાંબળેના કરન્ટ લાગવાથી થયેલા મોતની ગઈ કાલે જોરદાર અસર જોવા મળી હતી. મહાવિતરણની બેદરકારીને કારણે તેનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરીને સંબંધિત દોષી સામે હત્યાનો કેસ દાખલ કરવાની માગણી રહેવાસીઓએ કરી હતી. વિરારના બોલિંજના મુખ્ય માર્ગ પર મંગળવારે સાંજે વરસાદના પાણીમાંથી વીજળીનો કરન્ટ લાગતાં તનિષ્કાનું મૃત્યુ થયું હતું. આ જ ઠેકાણે અન્ડરગ્રાઉન્ડ વીજળીના વાયર ત્રણ જગ્યાએ તૂટી ગયા હતા. એને કારણે વીજપ્રવાહ પાણીમાં વહી રહ્યો હતો અને એને કારણે વીજળીને કરન્ટ લાગ્યો હતો.

તનિષ્કાનો જીવ બચી શક્યો હોત 
તનિષ્કા વિરારના અગાશીમાં આવેલી સ્કૂલમાં દસમા ધોરણમાં ભણતી હતી. તેના પિતા રિક્ષાચાલક છે અને તેને માતા અને મોટો ભાઈ છે. મંગળવારે સ્કૂલમાં રજા હોવાથી તે ક્લાસિસમાં જવા માટે બહાર નીકળી હતી. કોચિંગ ક્લાસિસમાં જવા માટે મંગળવારે સાંજે લગભગ પોણાપાંચ વાગ્યે તનિષ્કા તેના બિલ્ડિંગમાંથી નીચે ઊતરી હતી. તેના ક્લાસ રસ્તાની બીજી બાજુના બિલ્ડિંગમાં હતા. તનિષ્કા નીચે ઊતરી ત્યારે વરસાદ પડી રહ્યો હતો એટલે બિલ્ડિંગની નીચે પાણી જમા થઈ ગયું હતું. તેણે એ પાણી પર પગ મૂકતાંની સાથે જ વીજળીનો કરન્ટ લાગ્યો હતો. નજીકનો એક કરિયાણાવાળો અને બે છોકરાઓ તેને બચાવવા દોડી આવ્યા હતા, પરંતુ તેમને પણ કરન્ટ લાગતાં બીજું કોઈ આગળ નહોતું આવ્યું. પાણીમાં ઇલેક્ટ્રિકનો કરન્ટ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. નાગરિકોએ તાત્કાલિક મહાવિતરણને ફોન કર્યો હતો, પરંતુ કોઈએ જવાબ આપ્યો નહોતો. અંતે ૨૦ મિનિટ પછી મહાવિતરણ દ્વારા વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક રહેવાસી ઉષાનું કહેવું હતું કે જો મહાવિતરણે તાત્કાલિક વીજપુરવઠો બંધ કરી દીધો હોત તો તેનો જીવ બચી ગયો હોત.

અન્ડરગ્રાઉન્ડ વીજ-વાયરો હોવા છતાં શૉક લાગ્યો
બોલિંજ વિસ્તારમાં મહાવિતરણે અન્ડરગ્રાઉન્ડ પાવર કેબલ નાખ્યા છે. ગઈ કાલે સવારે મહાવિતરણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું ત્યારે ત્રણ જગ્યાએ વાયરમાં તિરાડ પડી હોવાનું જાણવા મળ્યું હતું. એથી આ વીજલાઇનો જમીનથી પાંચ મીટર નીચે નાખવાની જરૂર હતી, પરંતુ એ માત્ર અડધો મીટર અંદર નખાઈ હતી. મહાવિતરણના બોલિંજ વિભાગના એન્જિનિયર યોગેશ પગારેએ જણાવ્યું હતું કે આ જગ્યાએ લોખંડના સળિયા હતા અને શક્યતા છે કે વીજળીના વાયર કપાઈ ગયા હોય. એથી ગઈ કાલે મહાવિતરણે કૉન્ટ્રૅક્ટરો પાસેથી કામ કરાવ્યું હતું. વીજ ગ્રાહક સંઘટનાના પ્રમુખ જૉન પરેરાએ આક્ષેપ કર્યો હતો કે યોગ્ય કામ કરાઈ રહ્યું ન હોવાથી આવી દુર્ઘટના બને છે. વિવિધ રાજકીય પક્ષોએ બનાવની તપાસ કરવાની અને તનિષ્કા કાંબળેના પરિવારને વળતર આપવાની માગ કરી છે.

મહાવિતરણનું શું કહેવું છે?
મહાવિતરણ (વિરાર)ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પ્રશાંત દાણીએ કહ્યું હતું કે ‘સંબંધિત સ્થળની પાવર ટ્રાન્સમિશન લાઇન છથી સાત વર્ષ જૂની છે. આ વાયરો પહેલાં ક્યારેય તૂટ્યા નહોતા. એથી ટેક્નિકલ તપાસ કરવામાં આવી રહી છે અને સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.’

mumbai mumbai news Crime News vasai virar preeti khuman-thakur