ગૅસ-ગીઝરને કારણે બોરીવલીની ટીનેજરનો જીવ જતો રહ્યો

21 October, 2025 08:42 AM IST  |  Mumbai | Shirish Vaktania

બોરીવલી પોલીસે આ કેસમાં ઍક્સિડેન્ટલ ડેથ-રિપોર્ટ નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

હર્ષિતા નળેકર

બોરીવલી-વેસ્ટની ચીકુવાડીમાં રહેતી ૧૫ વર્ષની હર્ષિતા નળેકરનું ગૅસ-ગીઝરમાંથી નીકળેલા ઝેરી ગૅસને કારણે શનિવારે મૃત્યુ થયું હતું. ફિનિક્સ હૉસ્પિટલના ડૉક્ટરના કહેવા મુજબ તેના શરીરમાં બહુ મોટા પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ જણાઈ આવ્યો હતો જેની અસર તેના મગજ પર થઈ હતી અને મગજને ખાસ્સું નુકસાન થતાં તેનું મોત થયું હતું. બોરીવલી પોલીસે આ કેસમાં ઍક્સિડેન્ટલ ડેથ-રિપોર્ટ નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

હર્ષિતા તેના પરિવાર સાથે ચીકુવાડીના ભૂષણ હેરિટેજમાં રહેતી હતી. ૧૪ ઑક્ટોબરે બનેલી એ ઘટના બાદ તે ચાર દિવસ સુધી હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર હતી અને શનિવારે મૃત્યુ પામી હતી. બોરીવલી પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ઘટનાના દિવસે તે સવારે બાથરૂમમાં નાહવા ગઈ હતી. થોડી વાર પછી બાથરૂમમાંથી પાણી ઓવરફ્લો થઈને બહાર આવવા માંડતાં તેનાં માતા-પિતાને ચિંતા થઈ અને તેમણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો અને તેને બૂમો પાડવા માંડી, પણ અંદરથી કોઈ રિસ્પૉન્સ ન મળતાં તેમણે સુથારને બોલાવી દરવાજો તોડાવ્યો હતો. અંદર હર્ષિતા બેહોશ થઈને પડી હતી. એથી પરિવારે તેમના ફૅમિલી-ડૉક્ટરને જાણ કરી હતી અને તેને તરત જ હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. 

ફિનિક્સ હૉસ્પિટલનાં ઍડ્‍મિનિસ્ટ્રેટર ડૉ. ગ્રીષ્મા પટેલે કહ્યું હતું કે ‘હર્ષિતાને અંદાજે ૧૨ વાગ્યે દાખલ કરવામાં આવી હતી. જ્યારે અમે તેને તપાસી ત્યારે તે શ્વાસ નહોતી લઈ રહી અને તેની પલ્સ પણ નહોતી મળી રહી. અમે તેના પર કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન (CPR) આપી તેને રિવાઇવ કરવાના પ્રયાસ કર્યા હતા. CT સ્કૅન અને MRIમાં તેનુ મગજ કામ ન કરતું હોવાનું જણાઈ આવ્યું હતું. એ પછી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી અને ત્યાર બાદ તેનું નિધન થયું હતું. તેના પરિવારે કહ્યું હતું કે તે નાહતી વખતે ગૅસ-ગીઝર વાપરતી હતી. તેમના ફૅમિલી-ડૉક્ટર વિજય કસુળકરે તેને તપાસીને હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. અમારા ફિઝિશ્યન ડૉ. અનુજ મહેતાએ નોંધ્યું હતું કે તેનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું હતું.’

ગૅસ-ગીઝર બંધ જગ્યામાં વાપરવા સંદર્ભે ડૉ. ગ્રીષ્મા પટેલે કહ્યું હતું કે ‘તે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરે છે જે ઝેરી, રંગહીન અને ગંધહીન હોય છે. એને કારણે મગજ પર અસર થાય છે અને શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે. અમે લોકોને વારંવાર સલાહ આપતા હોઈએ છીએ કે બંધ જગ્યામાં ગૅસ-ગીઝર વાપરવાનું ટાળો. હર્ષિતાનો કિસ્સો બતાવે છે કે એ કેટલું જોખમી છે.’

ગૅસ-ગીઝર વાપરતી વખતે રાખવાની તકેદારી
• યોગ્ય વેન્ટિલેશન રાખો: જ્યાં હવાની અવરજવર ન હોય એવા બાથરૂમમાં ગૅસ-ગીઝર ન રાખો.
• એક્ઝૉસ્ટ ફૅનનો ઉપયોગ કરો: એનાથી જે ધુમાડો ત્યાં જમા થયો હશે એ બહાર નીકળી જશે. 
• નાહતાં પહેલાં જ ગૅસ-ગીઝર બંધ કરી દો: ગૅસ-ગીઝર ચાલુ રાખીને વાપરતી વખતે એમાંથી કાર્બન મોનોક્સાઇડ બહાર નીકળે છે. 
• રેગ્યુલર મેઇન્ટેનન્સ: લીકેજ અને ફૉલ્ટી કનેક્શન ખાસ ચેક કરાવો.
•  ઇલેક્ટ્રિક ગીઝરનો ઉપયોગ કરો: એ કાર્બન મોનોક્સાઇડ નથી ઉત્પન્ન કરતું. વળી એ બંધ બાથરૂમમાં વાપરવા માટે સેફ છે.

 

mumbai news mumbai shirish vaktania columnists mumbai crime news crime branch mumbai police