ટ્રેન ઉપર ચડીને રીલ બનાવી રહ્યો હતો સગીર, હાઇ પાવર કેબલમાં સપડાતાં મોત

15 July, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાના ચક્કરમાં ઘણીવાર લોકો મૂર્ખામી કરી દેતા હોય છે. ઇન્સ્ટાગ્રામ માટે થઈને ઘણીવાર લોકો પોતાના જીવનને જોખમમાં મૂકતા હોય છે તો  ઘણીવાર કોઈ અન્યનો જીવ આ રીલ્સ બનાવવાના ચક્કરમાં જોખમમાં મૂકાતો હોય છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય એઆઈ

સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાના ચક્કરમાં ઘણીવાર લોકો મૂર્ખામી કરી દેતા હોય છે. ઇન્સ્ટાગ્રામ માટે થઈને ઘણીવાર લોકો પોતાના જીવનને જોખમમાં મૂકતા હોય છે તો  ઘણીવાર કોઈ અન્યનો જીવ આ રીલ્સ બનાવવાના ચક્કરમાં જોખમમાં મૂકાતો હોય છે. આવી ઘટનાઓમાં ઘણીવાર મોટા અકસ્માત થઈ જતા હોય છે. તાજેતરમાં જ નવી મુંબઈના નેરુલ રેલવે સ્ટેશન પર આવું જ કંઇક થયું.

અહીંના નેરુલ રેલવે સ્ટેશન પર ઊભી રહેલી એક ટ્રેનના ડબ્બા પર સોશિયલ મીડિયા માટે રીલ બનાવાનો પ્રયત્ન કરતી વખતે વીજળીનો ઝટકો લાગવાથી 16 વર્ષીય સગીર છોકરાનું મોત નીપજ્યું. વાશી રાજકીય રેલવે પોલીસ (જીઆરપી)ના વરિષ્ઠ નિરીક્ષક કિરણ ઉંદ્રેએ જણાવ્યું કે નવી મુંબઈના બેલાપુર નિવાસી આરવ શ્રીવાસ્તવ નામનો આ છોકરો 6 જુલાઈના પોતાના મિત્રો સાથે રેલવે સ્ટેશન પર ગયો હતો. અધિકારીએ કહ્યું, "તે કચરાથી ભરેલી એક ઊભી રહેલી ટ્રેનના ડબ્બા ઉપર ચડી ગયો અને રીલ બનાવવા માંડ્યો"

તેમણે જણાવ્યું કે ડબ્બાની ઉપર ચડતી વખતે છોકરાનો હાથ ઉપરથી પસાર થતાં હાઇ-પાવર ધરાવતા કેબલના સંપર્કમાં આવી ગયો અને તેને વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો, જેને કારણે તે નીચે પડી ગયો. અધિકારીએ જણાવ્યું કે છોકરાના માથા અને શરીરના અન્ય ભાગમાં અનેક ઇજાઓ થઈ છે અને તે 60 ટકા જેટલો દાઝી પણ ગયો છે. ઉંદ્રેએ જણાવ્યું કે તેને પહેલા એક સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

સ્થિતિ ગંભીર હોવાથી તેને ઐરોલીના બર્ન્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેણે છ દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કર્યો અને શનિવારે રાતે તેનું મોત નીપજ્યું. તેમણે જણાવ્યું કે પોલીસે દુર્ઘટના થકી મૃત્યુની ઘટના નોંધી છે અને ઘટનાની તપાસ કરી રહી છે.

આ ઘટના જેવા અન્ય સમાચાર

આ પહેલા પણ સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાની ઘેલછામાં ત્રણ છોકરાઓએ કંઇક એવું કર્યું જેણે તેને પોલીસની કેદમાં જવા માટે મજબૂર કરી દીધું. સોશ્યલ મીડિયા પર લાઇક્સ મેળવવાની દોડમાં લોકો હદ વટાવી રહ્યા છે. સાવ અણસમજુ અને કિશોર બાળકો ચોંકાવનારા અને વધુ વાઇરલ થવાના આશયથી જીવ જોખમમાં મૂકતા સ્ટન્ટ કરવા લાગ્યાં છે. તાજેતરમાં ઓડિશાના બૌધ જિલ્લાના તલુપાલી ગામ પાસે ત્રણ કિશોરોએ રવિવારની સાંજે એક ખતરનાક સ્ટન્ટ કર્યો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે દૂરથી હૉર્ન વગાડીને પૂરપાટ વેગે આવતી ટ્રેન જોઈને એક બાળક ટ્રૅકની વચ્ચે સૂઈ જાય છે. તે ટ્રૅકની પૅરૅલલ નથી સૂતો, પરંતુ એક પાટા પાસે તેના પગ છે અને બીજા પાટા પાસે તેનું માથું છે. સાંજે પાંચ વાગ્યાના સુમારે લેવાયેલા આ વિડિયોમાં કિશોર જેવો સૂઈ જાય છે કે ટ્રેન દોડતી આવે છે. બીજો છોકરો જોરજોરથી બૂમો પાડીને તેને જરાય નહીં હલવાની અને નહીં ઊઠવાની સલાહ આપતો રહે છે, જ્યારે ત્રીજો છોકરો વિડિયો લેતો રહે છે. જેવી ટ્રેન પસાર થઈ જાય છે કે ટ્રૅક પર સૂતેલો છોકરો ઊઠી જાય છે અને ત્રણેય જાણે જંગ જીતી લીધી હોય એમ નાચવા લાગે છે. આ વિડિયો વાઇરલ થતાં જ ઓડિશાની સ્થાનિક પોલીસે આ ત્રણેય કિશોરોને પકડી લીધા છે.

navi mumbai train accident mumbai trains mumbai local train airoli vashi nerul mumbai railways