01 July, 2026 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડ-ઈસ્ટમાં એક અત્યંત ચોંકાવનારી અને માતા-પિતાની આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. અહીં પૂનમ ગાર્ડન વિસ્તારની એક સોસાયટીમાં રહેતા કાપડના વેપારીના ઘરમાંથી સોનાના સિક્કા અને રોકડ મળીને કુલ ૨.૫૦ લાખ રૂપિયાની ચોરી થઈ છે. આ ચોરી કોઈ રીઢા ગુનેગારોએ નહીં પરંતુ તેમની ૧૬ વર્ષની ટીનેજ દીકરીએ જ સ્કૂલની મિત્ર અને તેના સાથીદારો સાથે મળીને કરી છે. આ મામલે મીરા રોડ પોલીસે ૪ લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ફરિયાદી વેપારી દંપતી વ્યવસાયના કામે બહારગામ ગયું ત્યારે તેઓ પોતાના બેડરૂમમાં રાખેલા લૉકરની ચાવી પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારે ફરિયાદીની પુત્રીએ તેના મિત્રો સાથે ચાવીવાળાને પોતાના ઘરે બોલાવીને ડુપ્લિકેટ ચાવી બનાવીને તિજોરી સાફ કરી નાખી હતી.
મીરા રોડ પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર મેઘા બુરાંડેએ ‘મિડ-ડે’’ને કહ્યું હતું કે ‘ફરિયાદી દંપતી ૯ જૂને વિદેશની ટૂર પર ગયું હતું. ત્યાંથી તે ૨૬ જૂને સાંજે પાછું ફર્યું હતું. એ દરમ્યાન ફરિયાદીની પત્નીએ કબાટમાં રાખેલી તિજોરી તપાસી ત્યારે એમાં રાખેલા આશરે સાડાત્રણ તોલાના સોનાના દાગીના ગાયબ જણાયા હતા. એટલે તેમણે ઘરમાં દાગીનાની શોધ કરી હતી. જોકે દાગીના મળ્યા નહોતા એટલે તેમણે પોતાની પુત્રીની પૂછપરછ કરી ત્યારે તેણે સ્વીકાર્યું હતું કે તેની એક સ્કૂલની ફ્રેન્ડે તેને કહ્યું હતું કે હાલમાં સોનાના ભાવ બહુ વધારે છે, જો તારા ઘરે સોનું હોય તો મારો મિત્ર એ વેચીને ઘણા પૈસા અપાવશે. આ વાત સાંભળીને ફરિયાદીની પુત્રીએ તેના મિત્રો સાથે મળી ઘરમાં ચાવી બનાવવાવાળાને બોલાવી કબાટના તિજોરીની ડુપ્લિકેટ ચાવી બનાવીને કબાટ ખોલ્યું હતું. ત્યાર બાદ આ શાતિર મિત્રોએ લૉકરમાંથી દાગીના ચોરી લીધા હતા. આ કેસમાં ફરિયાદીની પુત્રી પણ સામેલ છે. જોકે તે સગીર હોવાથી અમે તેને આરોપી બનાવી નથી, પરંતુ તપાસમાં એવું બહાર આવ્યું છે કે તેણે પણ મિત્રોને સાથ આપ્યો હતો. બાકીના તમામ આરોપીઓ ૧૮થી ૨૦ વર્ષની ઉંમરના છે. પ્રાથમિક તપાસ મુજબ આ યુવા ટોળકીએ નશો, મોજમજા, શૉપિંગ તેમ જ પાર્ટીઓ કરવા માટે ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો હતો.’