✕

થાણેના કૅડબરી જંક્શન પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાઈ, ૧૬ વર્ષના ટીનેજરનું મોત

07 October, 2026 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાઈની બાઇક લઈને નીકળ્યો હતો રાઉન્ડ મારવા

પ્રતીકાત્મક તસવીર

થાણેના નૌપાડા વિસ્તારમાં એક અત્યંત અરેરાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ૧૬ વર્ષના વિરાજ દેસલેની બાઇક સ્લિપ થઈને ડિવાઇડર અને દીવાલ સાથે અથડાતાં ગંભીર ઈજા થવાથી રવિવારે બપોરે તેનું મૃત્યુ થયું છે. આ મામલે નૌપાડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલો કિશોર પોતાના મોટા ભાઈની KTM સ્પોર્ટ્સ બાઇક લઈને રાઉન્ડ મારવા નીકળ્યો હતો એ દરમ્યાન કન્ટ્રોલ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ વિશે નૌપાડા પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નૌપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેના રામચંદ્રનગરમાં રહેતો વિરાજ દેસલે રવિવારે બપોરે ૨.૪૫ વાગ્યે તેના મોટા ભાઈની KTM બાઇક લઈને રાઉન્ડ મારવા નીકળ્યો હતો એ દરમ્યાન વર્તકનગરના કૅડબરી જંક્શન પાસે સંતુલન ગુમાવતાં તેની બાઇક પહેલાં રસ્તાના ડિવાઇડર સાથે અને ત્યાર બાદ બાજુની દીવાલ સાથે જોરદાર અથડાઈ હતી. પ્રત્યક્ષદર્શી અમિત સાળવીએ ત્વરિત માનવતા દાખવીને રસ્તા પરથી પસાર થતી ઍમ્બ્યુલન્સને રોકીને ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક નજીકની હૉસ્પિટલ પહોંચાડ્યો હતો. હૉસ્પિટલ ખાતે ડૉક્ટરોએ કિશોરની તપાસ કરીને મગજના ભાગે ગંભીર માર લાગવાના કારણે તેને મૃત જાહેર કર્યો હતો. આ કેસમાં તેના ભાઈએ તેને બાઇક કેમ આપી એ વિશેની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ મામલે કેસ પણ નોંધવામાં આવ્યો છે.’ 

mumbai news mumbai thane road accident