વિરારનાં ૧૯ જોખમી બિલ્ડિંગ જમીનદોસ્ત કરવામાં આવ્યાં

31 July, 2026 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭૪ બિલ્ડિંગને અત્યંત જોખમી જાહેર કરવામાં આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC) દ્વારા બુધવારે C-1 કૅટેગરી એટલે કે અત્યંત જોખમી બિલ્ડિંગોને તોડી પાડવામાં આવ્યાં હતાં. વરસાદને કારણે દુર્ઘટના ન બને એ માટે જર્જરિત જાહેર કરવામાં આવેલાં અને પહેલેથી જ ખાલી કરી દેવામાં આવેલાં ૧૯ બિલ્ડિંગને બુધવારે તોડી પાડવામાં આવ્યાં હતાં. મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાં હાથ ધરાયેલા સ્ટ્રક્ચરલ સર્વેમાં ૭૪ બિલ્ડિંગ તથા અન્ય ઘરો અત્યંત જોખમી જણાયાં હતાં, જેને પગલે એમને C-1 કૅટેગરીમાં મૂકવામાં આવ્યાં હતાં. એમાં રહેતા લોકોને પહેલેથી જ તાત્કાલિક ધોરણે બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. 

ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે સ્ટ્રક્ચરલ સર્વે કરીને જોખમી બિલ્ડિંગ ચિહ્‍નિત કરવાની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે જેથી કોઈ દુર્ઘટનામાં જાનહાનિ ટાળી શકાય. આ મામલે VVMC, પોલીસ ડિપાર્ટમેન્ટ તથા મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ની સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી. મોટા ભાગનાં જોખમી બિલ્ડિંગો ગીચ વિસ્તારોમાં આવ્યાં હોવાથી ત્યાં JCB-બુલડોઝર જેવાં ભારે વાહનો લઈ જઈ શકાય એ શક્ય ન હોવાથી મૅન્યુઅલી તોડકામ કરવામાં આવી રહ્યું છે.

mumbai news mumbai vasai virar city municipal corporation virar