ન્યુઝ શોર્ટમાં: ૧૯ વર્ષના ટીનેજરને ઓછી ઉંમરને કારણે પરિવારે લગ્નની રાહ જોવાનું કહ્યું એટલે આત્મહત્યા કરી

03 December, 2025 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટનાની જાણ માનપાડા પોલીસને કરવામાં આવતાં પોલીસે તેના મૃતદેહનો કબજો લઈને ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો હતો. 

પ્રતીકાત્મક તસવીર

ડોમ્બિવલીમાં રહેતા ૧૯ વર્ષના એક ટીનેજરને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. તેને તે છોકરી સાથે પરણવું હતું. જોકે તેના પરિવારે તેને કહ્યું કે યુવાનો માટે લગ્નની વય ૨૧ વર્ષ પૂરી થયેલી હોવી જોઈએ એ જરૂરી છે એટલે તારે ત્યાં સુધી રાહ જોવી પડશે. જોકે પરિવારના આ વલણને કારણે તે હતાશામાં સરી પડ્યો હતો અને ૨૯ નવેમ્બરે ઘરમાં જ સીલિંગ ફૅન સાથે લટકીને તેણે આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ માનપાડા પોલીસને કરવામાં આવતાં પોલીસે તેના મૃતદેહનો કબજો લઈને ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો હતો. 

ધુમ્મસને કારણે નૉર્ધર્ન રેલવેએ કરી પહેલી માર્ચ સુધી ઘણી ટ્રેનો સ્થગિત

નૉર્ધર્ન રેલવેએ ૨૦૨૫ની પહેલી ડિસેમ્બરથી ૨૦૨૬ની પહેલી માર્ચ દરમ્યાન શિયાળામાં ઉત્તરીય મેદાનોમાં ભારે ધુમ્મસને કારણે ઘણી પૅસેન્જર અને લાંબા અંતરની ટ્રેનો સ્થગિત કરી છે. ચંડીગઢથી અમ્રિતસર સુધીની ગરીબ રથ એક્સપ્રેસ, ચંડીગઢથી જમ્મુ સુધીની યોગનગરી જમ્મુ-તવી એક્સપ્રેસ, લાલકુવાં-અમ્રિતસર એક્સપ્રેસ, જનસેવા એક્સપ્રેસ અને કાલકા-વૈષ્ણોદેવી એક્સપ્રેસ સ્થગિત ટ્રેનોમાં સામેલ છે.

ભિવંડીમાં રેતી કાઢવાનું ગેરકાયદે કૌભાંડ પકડાયું

ભિવંડીમાં ખાડીમાંથી ગેરકાયદે રેતી કાઢવામાં આવી રહી છે એવી માહિતી મળતાં તહસીલદાર અભિજિત કોલ્હેએ તરત ઍક્શન લીધી હતી. ૨૮ નવેમ્બરે રાતે તેમણે તેમની ટીમ સાથે કેવણી ખાતે ઑપરેશન હાથ ધર્યું હતું. રાતના અંધારામાં રેતીને સક્શન પમ્પથી ગેરકાયદે ઉલેચીને બાર્જ (બોટ)માં ભરી રહેલા લોકો પર રેઇડ પાડવામાં આવી હતી. રેઇડ પડેલી જોતાં જ ૩ બાર્જમાં ૪ સક્શન પમ્પ સાથે તેમણે નાસવાની કોશિશ કરી હતી, પણ તેમનો પીછો કરવામાં આવ્યો હતો. બોટ પર જે લોકો હતા તેઓ ખાડીમાં ઝંપલાવી અંધારાનો લાભ લઈને નાસી ગયા હતા, જ્યારે બાર્જ અને સક્શન પમ્પ જપ્ત કરવામાં આવ્યાં છે. તહસીલદારના વડપણ હેઠળની ટીમે એ સક્શન પમ્પનો નાશ કર્યો હતો અને કેવણી ખાતે રેતી સ્ટોર કરવા બનાવાયેલી ૧૬ મોટી ટૅન્ક પણ તોડી પાડવામાં આવી હતી.

બેટી સુરક્ષા સંઘર્ષ પદયાત્રા, મીરા-ભાઈંદરથી દિલ્હી

મહિલાઓની સલામતી માટે, સગીર છોકરીઓ અને મહિલાઓ પર થતા અત્યાચારની વિરુદ્ધ તથા બળાત્કાર કરનારા પુરુષો સામે સખત કાર્યવાહી કરવાની માગણી કરવા છત્રપતિ શિવાજી મહારાજ ચૅરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા પ્રમુખ સોમનાથ બળવંત પવારે સોમવારે મીરા-ભાઈંદરથી સંસદભવન, દિલ્હી સુધી પદયાત્રા શરૂ કરી હતી.

અમે પણ મુંબઈકર

ગિરગામની ધ મૉડર્ન સ્કૂલનાં બાળકો ગઈ કાલે શ્વાન અને ગાયના માસ્ક પહેરીને આઝાદ મેદાન પહોંચ્યાં હતાં. પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA) દ્વારા નૅશનલ ડે ઑફ ઍક્શનની ઉજવણી કરવામાં આવી હતી. શ્વાન અને ગાયો પણ મુંબઈકર જ છે એવાં પોસ્ટર હાથમાં લઈને બાળકોએ પશુઓ પ્રત્યે દયા દાખવવાની અપીલ કરી હતી તેમ જ સુપ્રીમ કોર્ટે શ્વાનોને શેલ્ટર-હોમમાં મોકલવાનો આદેશ આપ્યો છે એને પાછો ખેંચવાની અપીલ પણ કરી હતી. તસવીર : આશિષ રાજે

mumbai news mumbai dombivli suicide mumbai police Crime News mumbai crime news