10 November, 2026 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં રવિવારે રાત્રે ફટાકડા ફોડવા બાબતે થયેલા વિવાદમાં ૧૯ વર્ષના એક યુવાન પર જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં જુહુ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક સગીરને તાબામાં લીધો છે. હુમલામાં જીવ ગુમાવનાર યુવાનની ઓળખ ૧૯ વર્ષના શુભંકર મુખિયા તરીકે થઈ છે.
ઘટનાની વિગતો આપતાં જુહુ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે આશરે ૧૧ વાગ્યે શુભંકર મુખિયા તેના મિત્રો સાથે જુહુ બીચ તરફ જઈ રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતી વખતે તેમનામાંથી કોઈએ એક મોટરસાઇકલ નજીક ફટાકડો ફોડ્યો હતો, જેને પગલે બાઇકસવાર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ત્યાર બાદ બાઇકસવારે પોતાના અન્ય બે સાથીઓને સ્થળ પર બોલાવી લીધા હતા. આ ત્રણેય જણે ભેગા મળીને શુભંકર અને તેના મિત્રો પર હિંસક હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શુભંકરનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના એક મિત્રને પણ ગંભીર ઈજા થઈ હતી.
આ ઘટના વિશે હત્યાનો ગુનો નોંધીને જુહુ પોલીસે તપાસ માટે જુદી-જુદી ટીમો બનાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં તપાસ હાથ ધરીને વિલે પાર્લે (વેસ્ટ)ના નેહરુનગરમાં રહેતા ૨૩ વર્ષના રાહુલ મંડલ અને બાવીસ વર્ષના રવિકુમાર દેવેન્દ્રની ધરપકડ કરી છે, જ્યારે એક સગીરને અટકમાં લીધો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બીકાનેરમાં રેલવે-ટ્રૅક પર ઝઘડતા દંપતીને બચાવવા ગયા બે જણ, ચારેય ટ્રેનની અડફેટે ચડ્યા, ત્રણનાં મોત
રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં રવિવારે એક ગોઝારો રેલવે-અકસ્માત સર્જાયો હતો. ઘડસીસર રેલવે-ટ્રૅક પર એક દંપતી કોઈ બાબતે ઝઘડી રહ્યું હતું. આ સમયે ત્યાં હાજર બે યુવાનો તેમને બચાવવા માટે ટ્રૅક પર ગયા હતા ત્યારે જ અચાનક ટ્રેન આવી જતાં ચારેય લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.