કૃત્રિમ તળાવમાં કરન્ટ : એકના એક દીકરાને ભરખી ગયો ઇલેક્ટ્રિક શૉક : ૧૯ વર્ષના ટીનેજરનું મોત

21 September, 2026 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોગેશ્વરી-ઈસ્ટમાં કૃત્રિમ તળાવમાં ગૌરી-ગણપતિ વિસર્જન દરમ્યાન સ્વયંસેવક તરીકે સેવા આપતો રોહિત રાઠોડ કરન્ટ લાગતાં મૃત્યુ પામ્યો હતો

જોગેશ્વરી-ઈસ્ટના આ કૃત્રિમ તળાવમાં ગુરુવારે સાંજે શૉક લાગતાં રોહિત રાઠોડનું મોત થયું હતું. તસવીર: સતેજ ‌‌શિંદે

જોગેશ્વરી-ઈસ્ટમાં કૃત્રિમ તળાવમાં ગૌરી-ગણપતિ વિસર્જન દરમ્યાન સ્વયંસેવક તરીકે સેવા આપતો રોહિત રાઠોડ કરન્ટ લાગતાં મૃત્યુ પામ્યો હતો. રોહિતના પિતાએ પહેલાં પત્ની ગુમાવી હતી અને હવે એકનો એક દીકરો આ રીતે ગુમાવતાં તેમના માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો.

જોગેશ્વરી-ઈસ્ટના શ્યામનગર વિસ્તારમાં લેક એરિયા પાસે લિલી વાઇટ અપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સના એન્ટ્રન્સ નજીક બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં અચાનક ઇલેક્ટ્રિક કરન્ટ આવતાં આ ઘટના બની હતી. ગુરુવારે સાંજે બનેલી આ ઘટનામાં ૧૯ વર્ષના રોહિત રાઠોડનું મૃત્યુ થયું હતું. ગૌરી-ગણપતિ વિસર્જન દરમ્યાન રોહિત અહીં સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યો હતો ત્યારે તળાવમાં અચાનક કરન્ટ દોડતાં તેનું મૃત્યુ થયું હતું. રોહિત તેના વૃદ્ધ પિતાનો એકનો એક આધાર હતો અને તેનું આ રીતે અકાળ અવસાન થતાં તેના પિતા ભીમસિંહ આઘાતમાં છે. 

ઘટના બાદ રોહિતને ત્યાં હાજર લોકો ટ્રૉમા કૅર હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે હૉસ્પિટલના સત્તાવાળાઓએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોહિતનાં સગાંવહાલાંઓએ આ ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી છે. 

પિતાના હૈયાફાટ રુદનથી આખી હૉસ્પિટલનો પરિસર હચમચી ઊઠ્યો
રોહિત તેના પિતા ભીમસિંહનો એકમાત્ર આધાર હતો અને આખું જીવન તેના સહારે વ્યતીત થશે એવી આશા તેમને હતી. રોહિતની માતાનું થોડાં વર્ષ પહેલાં જ અવસાન થયું હતું. જોકે હવે એકનો એક દીકરો પણ આવા વિચિત્ર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાથી ભીમસિંહને આઘાત લાગ્યો હતો. હૉસ્પિટલ સત્તાવાળાઓએ રોહિતને મૃત જાહેર કર્યો ત્યારે ભીમસિંહના આક્રંદે આખી હૉસ્પિટલના પરિસરને હચમચાવી મૂક્યો હતો.

BMCની જવાબદારી, કેમ પૂરતી સુરક્ષા ન રાખી?
આ મામલે મેઘવાડી પોલીસ-સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. જોકે રોહિતના પરિવારજનો તથા સ્થાનિકોનું કહેવું છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવની સુરક્ષાની જવાબદારી તેમના કૉન્ટ્રૅક્ટરની છે. કૉન્ટ્રૅક્ટરે સુરક્ષાની વ્યવસ્થામાં ચૂક કરી હોવાને કારણે આ ઘટના બની હોવાનું તેમનું કહેવું છે. પોલીસ પણ શું ખરેખર કૉન્ટ્રૅક્ટરે સેફ્ટીના નિયમોનું પાલન નહોતું કર્યું એ બાબતે તપાસ કરી રહી છે. આ ઉપરાંત તળાવમાં ઇલેક્ટ્રિક લીકેજ કઈ રીતે થયું એની તપાસ પણ કરવામાં આવી રહી છે. 

mumbai news mumbai jogeshwari ganpati