31 March, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધિવિનાયક મંદિર
પ્રભાદેવીમાં આવેલા ગણપતિબાપ્પાના વિખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં આજે સવારના અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી ભક્તોએ અર્પણ કરેલા ૨૨૫ દાગીના અને સિક્કાની લિલામી કરવામાં આવશે.
આ વિશે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વીણા મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિદ્ધિવિનાયક મંદિરનાં દર્શને આવતા લોકો વર્ષ દરમ્યાન બાપ્પાને વિવિધ પ્રકારના દાગીના અર્પણ કરે છે. આમાંથી મંદિરમાં વાપરી શકાય એવી મુગટ જેવી ભેટ મંદિરમાં સાચવી રાખવામાં આવે છે. સોના-ચાંદીના હાર, ચેઇન, લૉકેટ, સોના-ચાંદીની લગડી અને સિક્કાનો ઉપયોગ મંદિરમાં કરવામાં નથી આવતો એટલે આ દાગીના અને સિક્કાની વર્ષમાં બે વખત લિલામી કરવામાં આવે છે. ગયા વર્ષે દશેરામાં આવી લિલામી કર્યા બાદ ગુઢીપાડવાના પાવન દિવસે ૨૨૫ દાગીના અને સિક્કાની લિલામી કરવામાં આવશે. ભક્તો બાપ્પાને અડધા ગ્રામથી લઈને ૧૦૦ ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કા સૌથી વધુ અર્પણ કરે છે. સામાન્ય રીતે આપણે દાગીના વેચવા જઈએ ત્યારે જ્વેલર્સ મેકિંગ-ચાર્જ લે છે, પણ લિલામીમાં જે કોઈ ભક્ત દાગીના ખરીદે છે તેમની પાસેથી અમે મેકિંગ-ચાર્જ નથી લેતા. સોના કે ચાંદીનો ગુઢીપાડવાએ જે ભાવ હશે એ મુજબ ગણતરી કરવામાં આવશે.’