17 March, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુમ થયેલાં કુસુમ અને ક્રિશા લિમ્બાચિયા.
ભાઈંદર-ઈસ્ટના નર્મદનગરમાં રહેતી ૨૪ વર્ષની કુસુમ લિમ્બાચિયા અને તેની દોઢ વર્ષની દીકરી ક્રિશા રહસ્યમય રીતે મંગળવારે સાંજે ગુમ થયાં હોવાની ફરિયાદ ભાઇંદરના નવઘર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. છેલ્લા છ દિવસથી ગુમ થયેલી કુસુમનો મોબાઇલ પણ સતત સ્વિચ્ડ-ઑફ હોવાથી પોલીસે મા-દીકરીને શોધવા માટે વિવિધ ટીમ તૈયાર કરી છે. જે વિસ્તારમાંથી મા-દીકરી ગુમ થયાં હતાં એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે. એ ઉપરાંત મા-દીકરી વિશે કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે એવી અપીલ લિમ્બાચિયા પરિવારે નાગરિકોને સોશ્યલ મીડિયા દ્વારા કરી હતી.
એકાએક ગુમ થયેલાં મારાં ભાભી અને ભત્રીજીને શોધવા માટે અમે તમામ શક્ય કોશિશ કરી રહ્યા છીએ એમ જણાવતાં કુસુમના દિયર હાર્દિક લિમ્બાચિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો ભાઈ કમલેશ દાદરમાં કપડાનો વ્યવસાય કરે છે. મંગળવારે સવારે પોતાના રોજના ક્રમ અનુસાર દુકાને ગયો હતો એ સમયે ઘરે ભાભી કુસુમ અને ભત્રીજી ક્રિશા એકલાં હતાં. પોણાબાર વાગ્યાની આસપાસ ભાઈએ ભાભીને ફોન કરી રાત સુધીમાં અમુક દસ્તાવેજો શોધી રાખવા માટે કહ્યું હતું ત્યારે ભાભી એકદમ નૉર્મલ હતાં અને એ શોધી રાખશે એવું પણ કહ્યું હતું. દરમ્યાન રાતે નવ વાગ્યે જ્યારે કમલેશ ઘરે પહોંચ્યો ત્યારે ઘરના દરવાજાને કડી મારેલી હતી એટલે તાત્કાલિક તેણે ભાભીના મોબાઇલ પર ફોન કર્યો હતો. એ સમયે ફોન બંધ આવતાં તેણે આસપાસના પરિસરમાં ભાભી અને ભત્રીજીની શોધ કરી હતી. મોડી રાત સુધી બન્ને ન મળી આવતાં સગાંસંબંધીઓને ફોન કરી બન્ને વિશે માહિતી લેવાનો પ્રયાસ કર્યો હતો. આખો એક દિવસ શોધ્યા બાદ પણ જ્યારે બન્નેની ભાળ ન લાગતાં અંતે ઘટનાની ફરિયાદ નવઘર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. મારાં ભાભીનું પિયર ગુજરાતમાં છે ત્યાં પણ અમે તપાસ કરાવી, પણ અમને કોઈ માહિતી મળી નહોતી.’
મા-દીકરીને શોધવા માટે અમે વિવિધ ટીમ બનાવી છે એમ જણાવતાં નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ધીરજ કોલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે અમે મિસિંગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુમ થયેલી મહિલાનો ફોન પણ સતત બંધ છે એટલે એનું લોકેશન અમને મળી નથી રહ્યું. આ કેસમાં વધુ તપાસ કરી રહ્યા છીએ.’