20 April, 2025 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના દહિસરમાં આવેલા ઠાકુરપાડામાં આવેલા ગોડાઉનમાં શુક્રવાર મધરાત બાદ ૧.૩૦ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. એ ગોડાઉનોમાં ડામર, પ્લાસ્ટિક-ડ્રમ, કૉમ્પ્રેસર અને બીજું જલદીથી સળગી ઊઠે એવું મટીરિયલ સંઘરવામાં આવ્યું હતું, જેના કારણે ટૂંક સમયમાં જ આગનો વ્યાપ વધી ગયો હતો. આગનો વ્યાપ વધતાં ૨૫-૩૦ જેટલાં ગોડાઉન બળીને ખાખ થઈ ગયાં હતાં જેમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.
આગ લાગ્યાની જાણ નવી મુંબઈ ફાયર-બ્રિગેડને કરવામાં આવી હતી. આગનો ફેલાવો જોતાં એને ઠારવા વધારાનાં ફાયર-એન્જિન થાણે, કોપર ખૈરણે, બેલાપુર, કળંબોલી, નેરુળ અને વાશીથી બોલાવવામાં આવ્યાં હતાં. ૯ કલાકની ભારે જહેમત બાદ સવારે ૧૦.૩૦ વાગ્યે આગ ઓલવવામાં સફળતા મળી હતી. એ પછી પણ આગ ફરી ન ભડકે એ માટે કૂલિંગ-ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. સદ્ભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.