૨૬/૧૧ દરમિયાન મુંબઈમાં હતો, ઑફિસ શરૂ કરવી હતી: તહવ્વુર રાણાએ કર્યા અનેક ખુલાસા

07 July, 2025 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અહેવાલ મુજબ, રાણાએ જણાવ્યું હતું કે તેણે અને તેના મિત્ર ડેવિડ કોલમેન હેડલીએ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સાથે અનેક તાલીમ સેશનમાં ભાગ લીધો હતો. રાણાના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબા મુખ્યત્વે જાસૂસી નેટવર્ક તરીકે કામ કરતી હતી.

તહવ્વુર રાણા (તસવીર: મિડ-ડે)

મુંબઈના ૨૬/૧૧ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક તહવ્વુર હુસૈન રાણાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે તે હુમલા સમયે મુંબઈમાં જ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે એમ પણ કહ્યું હતું કે તે પાકિસ્તાની સેનાનો વિશ્વાસુ એજન્ટ હતો. દિલ્હીની તિહાર જેલમાં NIA કસ્ટડીમાં હતો ત્યારે રાણાએ પૂછપરછ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આ માહિતી આપી હતી.

લશ્કર-એ-તૈયબા માટે જાસૂસી કરતો હતો રાણા

અહેવાલ મુજબ, રાણાએ જણાવ્યું હતું કે તેણે અને તેના મિત્ર ડેવિડ કોલમેન હેડલીએ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સાથે અનેક તાલીમ સેશનમાં ભાગ લીધો હતો. રાણાના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબા મુખ્યત્વે જાસૂસી નેટવર્ક તરીકે કામ કરતી હતી. રાણાએ એ પણ સ્વીકાર્યું કે મુંબઈમાં તેની કંપનીનું ઇમિગ્રેશન સેન્ટર ખોલવાનો વિચાર તેનો હતો અને તેના નાણાકીય વ્યવહારોને વ્યવસાયિક ખર્ચ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાને તેને સાઉદી અરેબિયા મોકલ્યો હતો

તહવ્વુર હુસૈન રાણાએ સ્વીકાર્યું કે તે ૨૬/૧૧ ના હુમલા દરમિયાન મુંબઈમાં હતો અને આતંકવાદીઓની યોજનાનો ભાગ હતો. તહવ્વુર હુસૈન રાણાએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા સ્થળોએ રેકી કરી હતી. તેનું માનવું છે કે 26/11 ના હુમલા પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે મળીને કરવામાં આવ્યા હતા. 64 વર્ષીય રાણાએ એમ પણ કહ્યું હતું કે તેને ગલ્ફ વૉર દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યો હતો.

માહિતી મુજબ રાણાએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે લશ્કરે એક જાસૂસી સંગઠનની જેમ કામ કરે છે. રાણાનું મુખ્ય કામ માહિતી એકઠી કરવાનું અને તેને પાકિસ્તાન મોકલવાનું હતું. રાણાએ એમ પણ કહ્યું હતું કે મુંબઈમાં તેની કંપનીની ઑફિસ ખોલવાનો તનો વિચાર હતો. તેઓ આ ઑફિસનો ઉપયોગ તેની જાસૂસી પ્રવૃત્તિઓ માટે કરવા માગતો હતો.

રાણાને 4 એપ્રિલે ભારત લાવવામાં આવ્યો હતો

આ દરમિયાન, રાણાની પૂછપરછ કર્યા પછી, મુંબઈ પોલીસ તેને શક્ય તેટલી વહેલી તકે ધરપકડ કરીને અટકાયતમાં લેવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાની મૂળના કૅનેડિયન નાગરિક રાણાને આ વર્ષની શરૂઆતમાં ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. 4 એપ્રિલ 2025 ના રોજ યુએસ સુપ્રીમ કોર્ટે તેની સમીક્ષા અરજી ફગાવી દીધા પછી આ પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. મે મહિનામાં ભારત લાવ્યા બાદ NIA દ્વારા રાણાને ઔપચારિક રીતે ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. કાવતરું, હત્યા, આતંકવાદી કૃત્ય સહિત અનેક આરોપોના સંદર્ભમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગયા મહિને, દિલ્હીની એક કોર્ટે રાણાની ન્યાયિક કસ્ટડી 9 જુલાઈ સુધી લંબાવી હતી. 26/11 ના મુંબઈ હુમલામાં 10 પાકિસ્તાની આતંકવાદીઓએ તાજ અને ઑબેરોય હૉટેલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ અને યહૂદી કેન્દ્ર નરીમન હાઉસ જેવા મુખ્ય સ્થળોને લગભગ 60 કલાક સુધી નિશાન બનાવ્યા હતા, જેમાં 166 લોકો માર્યા ગયા હતા.

tahawwur rana 26 11 attacks isi pakistan mumbai terror attacks mumbai news