26 November, 2025 09:26 AM IST | Mumbai | Ranjeet Jadhav
બિઝનેસમૅન દિલીપ મહેતા
મુંબઈ પર ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે એટલે કે ૨૬/૧૧ના દિવસે થયેલા હુમલા વખતે હોટેલ તાજ મહલ પૅલેસમાં એક ફંક્શનમાં હાજરી આપવા ગયેલા બિઝનેસમૅન દિલીપ મહેતાએ એ વખતની યાદો તાજી કરી હતી. તેઓ બધા બૅન્ક્વેટ હૉલમાં હતા અને હુમલો થયો હતો અને પછી શું થયું એ તેમને હુમલાનાં ૧૭ વર્ષ બાદ પણ જેમ ને તેમ યાદ છે. તેમણે એ અનુભવ ‘મિડ-ડે’ સાથે શૅર કર્યો હતો.
તાજના બાવીસમા માળે આવેલા એક બૅન્ક્વેટ હૉલમાં એ રાતે તેમણે એક ફંક્શનમાં હાજરી આપી હતી એમ જણાવતાં દિલીપ મહેતાએ કહ્યું હતું કે ‘હું જ્યારે લિફ્ટમાં ઉપર ગયો ત્યારે મને કલ્પના પણ નહોતી કે એમાંથી હું પછી ૧૦ કલાકે નીચે ઊતરી શકીશ. ૯.૪૨ વાગ્યે બધું બદલાઈ ગયું હતું.’
એ ઇવેન્ટ પત્યા પછી તેઓ જ્યારે નીચે જવા લિફ્ટ પાસે આવ્યા ત્યારે સિક્યૉરિટીએ તેમને લિફ્ટમાં નીચે જતાં રોક્યા હતા અને કહ્યું હતું કે નીચે લૉબીમાં કંઈક ઇશ્યુ થયો છે એમ કહેતાં દિલીપ મહેતાએ કહ્યું હતું કે ‘મને અને એ રૂમમાં જેટલા હાજર હતા તેમને કહેવામાં આવ્યું કે હોટેલમાં બે ગૅન્ગ વચ્ચે ફાઇટ થઈ છે. સુરક્ષાની દૃષ્ટિએ અમને એ બૅન્ક્વેટ હૉલમાં જ રહેવાનું કહેવામાં આવ્યું. ૨૦ મિનિટ પછી એ ક્લિયર થઈ ગયું હતું કે એ કોઈ બે ગૅન્ગ વચ્ચેની ફાઇટ નહોતી, એ ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓએ કરેલો ટૅરરિસ્ટ હુમલો હતો જે મુંબઈમાં પ્રવેશ્યા હતા અને બધે ધમાલ કરી રહ્યા હતા અને તાજમાં પણ. હું અને એ હૉલમાં હાજર બધા સુરક્ષિત જગ્યા જોઈને છુપાયા હતા. મેઇન ડોર લૉક કરી દેવામાં આવ્યા હતા. વળી દરવાજા પાસે બધી ખુરસીઓ આડશ તરીકે ગોઠવી દીધી હતી.’
દિલીપ મહેતાએ કહ્યું હતું કે ‘હું બહુ જ ગભરાઈ ગયો હતો. એકદમ નજીકથી ગોળી છૂટવાના અને વિસ્ફોટ થવાના અવાજ આવી રહ્યા હતા. અમને બધાને તો એમ જ લાગ્યું હતું કે અમારામાંથી કોઈ પણ નહીં બચે. હું ડર અને ગભરાટને કારણે બેથી ૩ વાર તો બેભાન થઈ ગયો હતો. લગભગ ૧૦ કલાક સુધી અમે ટેબલની નીચે છુપાઈ રહ્યા હતા. ખબર નહોતી કે આગળ શું થવાનું છે. એ પછી સવારે ૩.૩૦થી ૩.૪૫ વાગ્યે બધુ શાંત થઈ ગયું. એ પછી અમને બધાને પાછળની એક્ઝિટથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમે ૩૨-૩૪ જણ હતા. અમને એકદમ સુરક્ષિત રીતે કંઈ પણ ઈજા થયા વગર બચાવી લેવામાં આવ્યા હતા. આ મારી જિંદગીનો સૌથી ભયંકર અને ડરામણો અનુભવ હતો.’
આ ડરામણા અનુભવની અસર તેમના પર ત્યાર બાદ પણ રહી. રાતે બે વાગ્યે અચાનક એ બધું યાદ આવતાં તેઓ ઝબકીને જાગી જતા. ઘણી વાર આખી રાત તેમને ઊંઘ જ નહોતી આવતી. એથી ૬ મહિના સુધી કાઉન્સેલિંગ લેવી પડ્યું હતું.