11 December, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માનવતસ્કરીમાં ઇન્વૉલ્વમેન્ટ હોવાનું કહીને ડરાવ્યા બાદ ડિજિટલ અરેસ્ટ કરીને કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ એક્સ્ટેન્શન રોડ પર રહેતા ૮૦ વર્ષના ગુજરાતી વૃદ્ધ પાસેથી સાઇબર ગઠિયાએ ૨૬.૨૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે વેસ્ટર્ન સાઇબર સેલે મંગળવારે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તમારા નામે લીધેલા નંબરથી માનવતસ્કરી થઈ રહી છે, ઉપરાંત કેટલાંક શંકાસ્પદ ખાતાંમાંથી તમારા બૅન્ક-ખાતામાં પૈસા સ્વીકારવામાં આવ્યા છે અને આ કેસમાં તેલંગણ પોલીસ તમારા ઘરે ધરપકડ માટે આવી રહી છે એમ કહીને વૃદ્ધને ધમકાવીને બે દિવસ ડિજિટલ અરેસ્ટનો ઢોંગ કરવામાં આવ્યો હતો. એ દરમ્યાન વૃદ્ધના બૅન્ક-ખાતાની માહિતી મેળવીને એમાં રહેલા પૈસા વેરિફિકિશન માટે માગવામાં આવ્યા હતા. એકાએક આવેલા ફોનથી ગભરાઈ ગયેલા વૃદ્ધે પોતાની ૧૮ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને રિટાયરમેન્ટ બાદ ભેગા કરી રાખેલા ૮.૨૦ લાખ રૂપિયા ૨૮ નવેમ્બરે સાઇબર ગઠિયાને મોકલી આપ્યા હતા.
શું હતો ઘટનાક્રમ?
મથુરાદાસ એક્સ્ટેન્શન રોડ પર રહેતા ગુજરાતી વૃદ્ધ ૨૫ નવેમ્બરે પત્ની સાથે દેવલાલીમાં હતા ત્યારે બૅન્ગલોરના સાઇબર ક્રાઇમ કો-ઑર્ડિનેટર તરીકે ઓળખ આપી વિનય શર્માએ ફોન કરીને તેમને કહ્યું કે તમારા નામે ખરીદેલા સિમ કાર્ડનો ઉપયોગ છોકરીઓ સાથે દુર્વ્યવહાર અને માનવતસ્કરી માટે થઈ રહ્યો છે તેમ જ એક શંકાસ્પદ બૅન્ક-ખાતામાંથી તમને ૩૦ લાખ રૂપિયા આવ્યા છે. ત્યાર બાદ ૨૭ નવેમ્બરે તેલંગણ પોલીસનું ધરપકડ વૉરન્ટ પણ વૃદ્ધને મોકલવામાં આવ્યું હતું. દરમ્યાન વૉટ્સઍપ પર વાત કરતી વખતે તેલંગણ પોલીસના DCP રાવ તરીકે ઓળખ આપતી વ્યક્તિએ તમારી ઉંમર મોટી છે એટલે તમારી ડિજિટલ અરેસ્ટ કરીએ છીએ એમ કહીને કેસમાંથી છોડાવવામાં તે મદદ કરશે એવું આશ્વાસન આપ્યું હતું.
૨૭ અને ૨૮ નવેમ્બરે વૉટ્સઍપ પર સતત વિડિયોકૉલ કરીને ડિજિટલ અરેસ્ટ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એ સમયે સામેની વ્યક્તિ પોલીસના યુનિફૉર્મમાં બેસેલી જોવા મળી હતી.
પોલીસના યુનિફૉર્મમાં રહેલી વ્યક્તિએ સ્ટેટમેન્ટ નોંધવાના નામે વૃદ્ધનાં તમામ બૅન્ક-ખાતાં અને સેવિંગ્સ વિશે માહિતી મેળવી લીધી હતી. પાછળથી એ રકમ માત્ર વેરિફિકેશન માટે મોકલવાનું કહેવામાં આવતાં વૃદ્ધે પોતાની FD તોડાવીને જમાપૂંજી સાઇબર ગઠિયાએ આપેલા અકાઉન્ટમાં મોકલી આપી હતી.
વેરિફિકિશન માટે આપેલા પૈસા પાંચમી ડિસેમ્બર સુધી પાછા ન મળતાં વૃદ્ધને શંકા આવતાં સંબંધીઓને ઘટનાની જાણ કરી ત્યારે છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો હતો. વૃદ્ધે જે બૅન્ક-ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા એની પોલીસ માહિતી કાઢી રહી છે.