25 May, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મીરા-ભાઈંદરમાં બનાવટી દસ્તાવેજોના આધારે રિક્ષાનું લાઇસન્સ મેળવનારા ૨૭ લોકો સામે કાશીગાવ પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મીરા-ભાઈંદરની સબ-રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસમાંથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં રિક્ષા માટે અનેક લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં. એમાંનાં કેટલાંક લાઇસન્સ બનાવટી દસ્તાવેજોના આધારે આપવામાં આવ્યાં હોવાની ફરિયાદ ભાઈંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જ્યારે કિરીટ સોમૈયાએ સ્થાનિક પોલીસને કરી હતી. એ પછી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ બાબતે તપાસ કરવામાં આવી હતી. કાશીમીરા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સંદર્ભે તપાસ કરવામાં આવી હતી. એમાં એક જ વ્યક્તિના દાખલા પર રૅશન કાર્ડ અથવા વીજળીના બિલ પર પોતાનું નામ નાખીને ૨૭ જણે રિક્ષાનાં લાઇસન્સ મેળવ્યાં હોવાનું જણાઈ આવ્યું હતું. આ અગાઉ પણ મીરા-ભાઈંદરમાં બનાવટી દસ્તાવેજોના આધારે રિક્ષાનું લાઇસન્સ મેળવવાના કેસ બહાર આવતા રહ્યા છે.