20 April, 2025 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આંબિવલીના મોહાનેમાં આવેલી ગણપતિ મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલના ડૉક્ટર અને અન્ય બે જણે બનાવટી દસ્તાવેજો રજૂ કરીને ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાંથી ૪.૭૫ લાખ રૂપિયાની મદદ મેળવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ સંદર્ભે ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડના અસિસ્ટન્ટ ડિરેક્ટરે પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને કેસની વધુ તપાસ શરૂ કરી છે.
FIRમાં જણાવ્યા મુજબ ગણપતિ મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલના ડૉક્ટર અનુરાગ ધોની અને અન્ય બે કર્મચારી પ્રદીપ બાપુ પાટીલ અને ઈશ્વર પવારે ૧૩ નામનિશાન વગરના દરદીઓની સર્જરી કરીને સારવાર આપવામાં આવી હોવાના બનાવટી દસ્તાવેજો ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં સબમિટ કરીને ૪.૭૫ લાખ રૂપિયાની મદદ મેળવી હતી. ઇન્ટર્નલ સ્ક્રૂટિની વખતે આ બાબત ખુલ્લી પડી ગઈ હતી. પોલીસે કેસની તપાસ ચાલુ કરી છે, પણ કોઈની ધરપકડ કરવામાં આવી નથી.