ત્રીસ ઇન્વેસ્ટરોની આઠ વર્ષની મહેનત લાવી રંગ

18 January, 2022 01:37 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

પાલઘરના એક પ્રોજેક્ટમાં બુકિંગ કર્યા બાદ કામ અટકી પડતાં રિફન્ડની માગણી ન સ્વીકારાતા સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવીને ડેવલપરને જેલના સળિયા ગણાવ્યા

પાલઘરમાં બંધ પડેલો પૂનમ પાર્ક પ્રોજેક્ટ

ઇન્વેસ્ટમેન્ટ કે રહેવા અથવા બિઝનેસ કરવા માટે ડેવલપરના પ્રોજેક્ટમાં બુકિંગ કરાવ્યા બાદ પ્રોજેક્ટ સમયસર પૂરો ન થાય કે કામ જ અટવાઈ જાય ત્યારે પ્રોજેક્ટમાં બુકિંગ કરનારાઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોવાના અસંખ્ય બનાવો અવારનવાર બને છે. મોટે ભાગે બુકિંગ કરનારાઓ રૂપિયા પાછા મેળવવા માટે અમુક સમય પ્રયાસ કર્યા બાદ થાકી-હારી જાય છે. જોકે કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ કાયદાની અંતિમ પાયરી સુધી લડત ચલાવીને બુકિંગ અમાઉન્ટ લેનારાઓને જેલના સળિયા ગણતા કરી દે છે. પાલઘરના એક પ્રોજેક્ટમાં બુકિંગ અમાઉન્ટ આપ્યા બાદ પ્રોજેક્ટ પૂરો ન કરનારા બિલ્ડર સામે ૩૦ લોકોએ હિંમત હાર્યા વિના આઠ વર્ષ સુધી સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવીને વિજય મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 
પાલઘર પોલીસ સ્ટેશનમાં ૨૦૧૯માં નોંધવામાં આવેલા ૪ એફઆઇઆર મુજબ અખબારોમાં જાહેરાત આપવામાં આવી હતી કે પાલઘરમાં સેન્ટ જોન ફાર્મસી કૉલેજની પાછળ મનોર-માહિમ રોડ વેવુર પાલઘર પૂર્વ ખાતે પૂનમ પાર્ક નામનો એક પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ પાલઘરમાં ઑફિસ ધરાવતા પૂનમ લાઇફસ્ટાઈલ કંપનીનો હોવાથી ફરિયાદીઓએ સાઇટ વિઝિટ કરીને પૂનમ ડેવલપર્સના પ્રોપ્રાઇટર સુમીત જવાહરલાલ જૈનને મળ્યા હતા અને અહીં બાંધવામાં આવનારી આયરીસ ઇમારતમાં વિવિધ ફ્લૅટ બુક કરાવવા માટે ૧૩ જૂન, ૨૦૧૨ના રોજ વિવિધ રકમના ચેકથી ડેવલપરને પેમેન્ટ કરવામાં આવ્યું હતું. ચેકની સામે બિલ્ડરે બુકિંગના ડૉક્યુમેન્ટ્સ આપ્યા હતા અને ૨૪ મહિનામાં ફ્લૅટનું પઝેશન આપવાનું કહ્યું હતું.
જોકે બે વર્ષને બદલે પાંચ વર્ષમાં પણ ઇમારતનું બાંધકામ શરૂ ન થયું હોવાનું ધ્યાનમાં આવતા ફરિયાદીઓએ ૨૦૧૭માં સાઇટની મુલાકાત લીધી હતી ત્યારે જણાયું હતું કે બિલ્ડરે બૅન્કમાંથી લીધેલી લોનના હપ્તા ન ભરવાથી બૅન્કે પૂનમ ડેવલપર્સ સામે કાર્યવાહી કરી છે. આથી ફરિયાદીઓએ પૂનમ ડેવલપર્સના સુમિત જૈન સહિતના કુલ ૧૦ ભાગીદાર સામે પાલઘર પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે આ મામલો સિવિલ હોવાથી કોર્ટમાં જવાનું કહેતાં પાલઘર સેશન્સ કોર્ટમાં ફરિયાદીઓએ અરજી દાખલ કરી હતી. સેશન્સ કોર્ટે ૨૦૧૯માં અરજીના ચુકાદામાં આરોપીઓ સામે આઇપીસીની કલમ ૧૫૬ (૨) હેઠળ કાર્યવાહી કરીને તપાસ કરવાનો આદેશ સંબંધિત પોલીસ સ્ટેશનને આપ્યો હોવાથી પાલઘર પોલીસે ચાર એફઆઇઆર નોંધ્યા હતા.
ફરિયાદીઓના જણાવ્યા મુજબ જોકે પોલીસે નોંધેલી ફરિયાદને આરોપીઓએ બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારી હતી. ફરિયાદીઓએ હાઈ કોર્ટમાં પોતાની બાજુ માંડતા કોર્ટે આરોપીઓની અરજી ફગાવી દીધી હતી. આની સામે આરોપીઓએ બૉમ્બે હાઈ કોર્ટમાં બીજી અરજી કરી હતી. આ અરજી પણ હાઈ કોર્ટે ફગાવી દેતાં આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. અહીં પણ ફરિયાદીઓએ તમામ પુરાવા સાથે પોતાની બાજુ મૂકતાં સુપ્રીમ કોર્ટે આરોપીઓની અરજી ફગાવી દીધી હતી. આ ચુકાદા સામે તેમણે ફરી અરજી કરતાં સુપ્રીમ કોર્ટે ૧૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આરોપીઓને બે અઠવાડિયાની અંદર પોલીસ સ્ટેશનમાં સરન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. 
કાંદિવલીમાં રહેતા અમિત પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂનમ પાર્ક પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની કુલ ૧૫ ઇમારતોનું બુકિંગ ડેવલપરોએ ૨૦૧૨માં શરૂ કર્યું હતું. મેં, મારી બહેન અને બીજા મારા સંપર્કમાં આવેલા ૨૮ લોકોએ રોકાણ કરવા બુકિંગ કર્યું હતું. જોકે ૨૪ મહિનામાં જે ઇમારતો બંધાઈ જવાની હતી એને બદલે અત્યાર સુધી મોટા ભાગની બિલ્ડિંગોનું કામ પૂરું નથી થયું. બિલ્ડરે અમને છેતર્યા હોવાની જાણ થયા બાદ અમે બુકિંગની રકમ પાછી મેળવવા પોલીસ અને કોર્ટમાં ધા નાખી હતી. ૮થી ૧૦ લાખ રૂપિયા જેટલી રકમ માટે કોઈ આટલી માથાકૂટ ન કરે, પરંતુ ઘણા સામાન્ય લોકોના રૂપિયા આમાં ફસાયા હોવાથી અમે બધાએ એકત્રિત થઈને લડત લડવાનો નિર્ણય લીધો હતો અને સફળતા મળી છે. મારા અંદાજ મુજબ અત્યાર સુધી પોલીસમાં ૬૭ લોકોએ આરોપી બિલ્ડરો સામે નિવેદન નોંધાવ્યા છે. કન્ઝ્યુમર અને રેરા કોર્ટના ઑર્ડર પણ બિલ્ડર સામે આવ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. કેટલીક બિલ્ડિંગ થોડીઘણી તૈયાર છે તેનું પઝેશન આપવાનું તેઓ કહે છે, પરંતુ પ્રોજેક્ટના પ્લાનમાં નોંધાવેલી એમિનિટીઝ પૂરી નથી કરી એટલે ઑક્યુપેશન સર્ટિફિકેટ નહીં મળે. આથી અમારી માગણી બુકિંગ અમાઉન્ટ વ્યાજ સાથે પાછા આપવાની છે.’
આ મામલો કરોડો રૂપિયાનો હોવાથી તપાસ પાલઘર આર્થિક ગુના શાખા દ્વારા કરાઈ રહી છે. આ કેસના તપાસ અધિકારી સબ ઇન્સ્પેક્ટર મહેશ ગાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂનમ પાર્ક પ્રોજેક્ટમાં આરોપીઓ સંતોષ રાઉત, સુમિત જૈન અને રમેશ મહેતા સહિત આઠ આરોપીઓએ ૨૭૫ લોકો પાસેથી બુકિંગ અમાઉન્ટ લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. કોર્ટના આદેશ બાદ તેઓ સરન્ડર થયા હતા. આમાંથી ત્રણ આરોપીના જામીન થયા છે, જ્યારે બાકીના કસ્ટડીમાં છે. જેમના રૂપિયા આ પ્રોજેક્ટમાં ફસાયા છે તેમને શોધીને નિવેદન નોંધવાનું અને આરોપીઓની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે.’
તાજેતરમાં જામીન પર છૂટેલા આરોપી રમેશ મહેતાનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી.

mumbai mumbai news palghar supreme court prakash bambhrolia