શનિવારે વેસ્ટર્ન રેલવેની ૩૦૦ લોકલ ટ્રેનો રદ રહેશે

25 December, 2025 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલીમાં છઠ્ઠી લાઇનના કામ માટે ૧૪ બોરીવલી લોકલ ગોરેગામ પર શૉર્ટ -ટર્મિનેટ થશે

અપ અને ડાઉન સ્લો લાઇન પર બોરીવલી ખાતે ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ (EI) પૅનલના કમિશનિંગ માટે બ્લૉક હાથ ધરવામાં આવશે.

વેસ્ટર્ન રેલવેમાં કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ ચાલી રહ્યું છે, જેને પગલે રોજની આશરે ૧૦૦ જેટલી લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. જોકે ૨૭ ડિસેમ્બરે ૩૦૦ લોકલ ટ્રેનો રદ રહેશે એવી જાહેરાત વેસ્ટર્ન રેલવેએ કરી છે.

વેસ્ટર્ન રેલવેએ આપેલી માહિતી મુજબ ૩૦૦ લોકલ ટ્રેન રદ રહેવા ઉપરાંત અમુક ટ્રેનો શૉર્ટ-ટર્મિનેટ કરવામાં આવશે, બોરીવલી લોકલની ૧૪ જોડી ગોરેગામ સુધી શૉર્ટ-ટર્મિનેટ થશે.

અપ અને ડાઉન સ્લો લાઇન પર બોરીવલી ખાતે ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ (EI) પૅનલના કમિશનિંગ માટે બ્લૉક હાથ ધરવામાં આવશે. આ બ્લૉક ૨૬ અને ૨૭ ડિસેમ્બર વચ્ચેની રાતે ૧૧ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી અમલમાં રહેશે. દરમ્યાન કાંદિવલી અને દહિસર વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ૨૬ ડિસેમ્બરે રાત્રે ૧૧ વાગ્યાથી ૨૭ અને ૨૮ ડિસેમ્બર વચ્ચેની રાત સુધી ટ્રેનની સ્પીડ-લિમિટ બાંધવામાં આવશે.

ચર્ચગેટથી દહાણુ રોડ સુધી રોજની ૧૪૦૦થી વધારે લોકલ દોડાવાય છે, એમાંથી ૩૦૦ રદ થતાં પ્રવાસીઓને હાલાકી થશે એમ અનેક પ્રવાસીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. આ જ રીતે 
૧૦ જાન્યુઆરીએ પણ ૩૦૦થી વધુ ટ્રેનો રદ રહેશે. આ સમયગાળામાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) વધુ બસો દોડાવે એવી શક્યતા છે. 

mumbai news mumbai western railway mumbai local train borivali kandivli