23 June, 2026 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BJPના નેતા કિરીટ સોમૈયા.
સરકારી જમીન પર કબજો કરીને બનાવાયેલી સ્કૂલો દ્વારા નકલી સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટો આપીને સ્કૂલ જેહાદ કરવામાં આવતી હોવાનું જણાવીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ આવી સ્કૂલો સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે એમ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યા અનુસાર BMCએ ૮૪૯ સ્કૂલોને ગેરકાયદે ઠેરવી છે અને એમાંથી ૩૩ ટકા એટલે કે ૨૮૯ સ્કૂલો ગોવંડી અને માનખુર્દમાં છે જેમના પર કાર્યવાહી થશે. આ બદલ તેમને ટૂંક સમયમાં નોટિસ મોકલીને કાર્યવાહી કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘સ્કૂલ જેહાદમાં સામેલ મોટા ભાગની સ્કૂલો M-ઈસ્ટ વૉર્ડ એટલે કે ગોવંડી અને માનખુર્દ વિસ્તારમાં આવેલી છે અને એ સરકારી જમીનો પર કબજો કરીને બનાવાયેલી છે. આ સ્કૂલો નકલી લીવિંગ સર્ટિફિકેટ પણ આપે છે. હવે આ બધી જ સ્કૂલો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.’
ગેરકાયદે બંગલાદેશી ઘૂસણખોરોને અપાતા નકલી આધાર કાર્ડ અને બર્થ સર્ટિફિકેટનું કૌભાંડ બહાર લાવનારા કિરીટ સોમૈયાએ ‘મિડ-ડે’ને બેથી ત્રણ માળના ગેરકાયદે બનાવાયેલાં સ્ટ્રક્ચર્સ પર પણ કાર્યવાહી કરવાનો આદેશ BMCએ આપ્યો હોવાનું ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. તેમણે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ગોવંડી અને માનખુર્દ ગેરકાયદે બંગલાદેશીઓના અડ્ડા બની ગયાં છે અને આવી સ્કૂલો તેમને લીવિંગ સર્ટિફિકેટ આપીને ભારતના નાગરિક બનાવવાના પ્રયાસો કરે છે. નકલી સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટની મદદથી આધાર કાર્ડ, બર્થ-સર્ટિફિકેટ અને અન્ય સરકારી ડૉક્યુમેન્ટ્સ બનાવવામાં આવે છે.