મોતે છેક કચ્છ સુધી પીછો કર્યો

21 October, 2021 08:35 AM IST  |  Mumbai | Mehul Jethva

છેલ્લા થોડા સમયથી પરિવાર સાથે માંડવીમાં રહેતો મુલુંડનો યુવાન કોરોનાથી બચવા માટે કચ્છ ગયો હતો, પણ ત્યાં તેને મધમાખી કરડી ગઈ અને બ્રેઇન હૅમરેજ થતાં તેનો જીવ ગયો

કોરોનાથી બચવા માટે મુલુંડથી કચ્છ ગયેલા હિરેન મોતાનું અણધાર્યું મોત થયું હતું

ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. મુલુંડમાં રહેતા અને વિક્રોલીમાં કરિયાણાંનો વ્યવસાય કરતા ૩૪ વર્ષના હિરેન મોતા કોરોનાથી બચવા માટે છેલ્લા કેટલાક સમયથી કચ્છના માંડવી તાલુકામાં પરિવાર સાથે રહેવા ગયા હતા. જોકે ત્યાં કોરોનાથી તો તેઓ બચી ગયા હતા, પણ મધમાખી કરડવાથી થયેલા અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. શાંત અને સંયમ સ્વભાવ ધરાવતા હિરેનભાઈના મૃત્યુ પછી પરિવારમાં દુઃખની લાગણી પસરી છે.

મુલુંડ-વેસ્ટમાં જે. એન. રોડ પર આવેલી પરિવાર સોસાયટીમાં રહેતા હિરેન મોતા કોરોનાકાળમાં કોરોનાથી બચવા માટે પોતાના વતન કચ્છના માંડવી તાલુકામાં આવેલા બાગ ગામે થોડા દિવસ રહેવા ગયા હતા. ૧૫ ઑક્ટોબરે સવારે તેઓ બાગ ગામેથી માંડવી જઈ રહ્યા હતા એ દરમ્યાન રસ્તામાં તેમના હાથ પર મધમાખી કરડી હતી. મધમાખી કરડવાથી તેમને ચક્કર આવતાં તેઓ બેહોશ થઈ ગયા હતા. એ જ અવસ્થામાં તેમણે બીજા ભાઈને ફોન કરીને તેમની હાલત બાબત જાણ કરી હતી. ઘટનાસ્થળે આવેલા તેમના ભાઈ તેમને માંડવી હૉસ્પિટલમાં ઇલાજ માટે લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે તેમનું સી.ટી. સ્કૅન કરવાનું કહ્યું હતું. માંડવીમાં સી.ટી. સ્કૅનની વ્યવસ્થા ન હોવાથી તેમને તરત જ ભુજ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું સી.ટી. સ્કૅન કરતાં ડૉક્ટરને જાણ થઈ હતી કે મધમાખીનું ઝેર તેમના મગજ પર ચડી જવાથી તેમની હાલત ગંભીર થઈ છે. એ પછી અમદાવાદ ખાતે મોટી હૉસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લીધા પછી તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે મોડી રાતે તેમનું મૃત્યુ થયું હતું.

હિરેનભાઈના કાકા જિતેન્દ્રભાઈ રાજગોરે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હિરેનને નખમાંય કોઈ રોગ નહોતો. ગયા વર્ષે કોરોનાની જોરદાર હવા ચાલતાં હિરેને થોડા સમય માટે કચ્છમાં રહેવાનો વિચાર કર્યો હતો. માંડવીમાં તેણે નાનો વ્યવસાય પણ ચાલુ કર્યો હતો. જોકે ૧૫ ઑક્ટોબરે પોતાના કામે નીકળેલો હિરેન મધમાખીના પૂડાની બાજુમાંથી પસાર થયો ત્યારે તેને મધમાખી કરડી હતી. એ મધમાખીનું ઝેર હિરેનના મગજમાં ચડી ગયું હતું અને તેને બ્રેઇન હૅમરેજ થઈ ગયું. અંતે સોમવારે મોડી રાતે તેનું મૃત્યુ થયું હતું. એ પછી મંગળવારે રાતના માંડવી તાલુકાના બાગ ગામે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હિરેનનાં લગ્ન થઈ ગયાં હતાં, પરંતુ તેને કોઈ બાળક હતું નહીં.’

mumbai mumbai news mulund vikhroli kutch mehul jethva