23 May, 2025 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-વેસ્ટમાં રહેતા અને એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા ૨૬ વર્ષના યુવાન સાથે ઇન્સ્ટાગ્રામ પર ઓળખાણ કરીને સમલૈંગિક સંબંધો બાંધવાના નામે જોગેશ્વરીમાં બોલાવી તેને લૂંટી લેવાના આરોપસર મેઘવાડી પોલીસે ગઈ કાલે ૪ લોકોની ધરપકડ કરી હતી. સમલૈંગિક સાથીની શોધમાં ઇન્સ્ટાગ્રામ પર પીડિત યુવાનની ઓળખ જોગેશ્વરીમાં રહેતા યુવાન સાથે થઈ હતી. તેણે સોમવારે સાંજે પીડિત યુવાનને ઘરે બોલાવીને સમલૈંગિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ ત્યાં હાજર અન્ય ૩ યુવાનોએ એનો વિડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી બ્લૅકમેઇલ કરીને તેની પાસેથી ૪૧,૦૦૦ રૂપિયા લૂંટી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
મેઘવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા અઠવાડિયે પીડિત યુવાનની ઇન્સ્ટાગ્રામ પર જોગેશ્વરીમાં રહેતા યુવાન સાથે ઓળખાણ થઈ હતી. તેણે પીડિત યુવાનને પોતાના ફોટો મોકલ્યા બાદ સમલૈંગિક સંબંધો બાંધવા પોતાના ઘરે આમંત્રિત કર્યો હતો. પીડિત યુવાન સોમવારે સાંજે આરોપીના ઘરે આવ્યો એ સમયે ત્યાં ૪ લોકો હાજર હતા. ત્યાર બાદ પીડિત સાથે સંમતિથી કૃત્ય કર્યા પછી મુખ્ય આરોપીએ તેના સાથીઓને ગુપ્ત રીતે વિડિયો રેકૉર્ડ કરવા કહ્યું હતું. ત્યાર બાદ આરોપીએ વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. પીડિત યુવાને વિરોધ કર્યો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ATM કાર્ડ દ્વારા આરોપીએ બૅન્કમાંથી ૪૧,૦૦૦ રૂપિયા ઉપાડી લીધા હતા. ત્યાર બાદ આરોપીએ પીડિત યુવાનને છોડી મૂકતાં તેણે ફરિયાદ માટે પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. આ મામલે અમે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.’