પતિએ પત્નીને ટ્રેન સામે ધકેલીને મોતને ઘાટ ઉતારી

15 March, 2026 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડ રેલવે સ્ટેશન પરની ભયાનક ઘટના : ઉત્તર પ્રદેશ પાછા જવા માટે નીકળેલા દંપતી વચ્ચે થયેલા અકળ વિવાદનું ભયાનક પરિણામ : મહિલાનું માથું અને બન્ને હાથ શરીરથી અલગ થઈ ગયાં

મુલુંડ રેલવે સ્ટેશન પર મહિલાની ડેડ-બૉડી હૉસ્પિટલ લઈ જતો પોલીસ સ્ટાફ.

મુલુંડ રેલવે સ્ટેશન પરના પ્લૅટફૉર્મ-નંબર એક પર ગઈ કાલે સવારે ૪૨ વર્ષના પતિ રાજુ ગુપ્તાએ પોતાની ૪૦ વર્ષની પત્ની પુષ્પાને ટ્રેન સામે ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. આ મામલે કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસે (GRP)એ હત્યાનો ગુનો નોંધ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ અકસ્માત એટલો ભયાનક  હતો કે મહિલાનું માથું અને બન્ને હાથ શરીરથી અલગ થઈ ગયાં હતાં. આ દૃશ્ય જોઈને પ્લૅટફૉર્મ પર હાજર મુસાફરોની, ખાસ કરીને મહિલાઓથી ચીસો નીકળી ગઈ હતી અને સમગ્ર સ્ટેશન પર ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ આરોપી પતિ રાજુ ગુપ્તા તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના સમયે ત્યાં હાજર રહેલા કેટલાક મુસાફરો આ ઘટનાના સાક્ષી બન્યા હતા. દરમિયાન બે હિંમતવાન મહિલાઓએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો અને તેની પાછળ દોડ પણ લગાવી હતી પરંતુ આરોપી ઝડપથી રેલવે-સ્ટેશનની બહાર ભાગી ગયો હોવાથી તેઓ તેને પકડી શક્યા નહોતા.

કુર્લા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરનાર પુષ્પા અને આરોપી રાજુ ગુપ્તા મૂળ ઉત્તર પ્રદેશનાં રહેવાસી છે. તેઓ મુંબઈમાં પોતાના એક સંબંધીના ઘરે આવ્યા હતા અને ઘટનાના દિવસે તેઓ સામાન સાથે પાછાં ઉત્તર પ્રદેશ જવા માટે સવારે લગભગ સાડાદસ વાગ્યે મુલુંડ રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૧ પર પહોંચ્યાં હતાં. ટ્રેન પકડવા માટે પુષ્પા મિડલ લેડીઝ ડબ્બા પાસે ઊભી હતી, જ્યારે રાજુ પાછળના લગેજ ડબ્બા પાસે ઊભો હતો. ત્યારે ટ્રેન આવતી જોઈ રાજુ પુષ્પાની નજીક આવ્યો અને અચાનક તેને ટ્રેન સામે ધક્કો મારી દીધો હતો. જોરદાર અથડામણના કારણે પુષ્પાનું શરીર ગંભીર રીતે છિન્નભિન્ન થઈ ગયું હતું. પત્નીની આ હાલત જોઈ આરોપી રાજુ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ તેની શોધખોળ શરૂ કરી છે અને સ્ટેશન પર લગાવેલા CCTV કૅમેરાનાં ફુટેજની પણ તપાસ કરી આરોપીને ઝડપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ દંપતી વચ્ચે કોઈ અંગત વિવાદ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ વિશે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.’

mumbai news mumbai mulund Crime News mumbai crime news crime branch murder case