14 May, 2025 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
SSCમાં પાસ થયેલી મંગલા રાંધવણનું લોકોએ મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું.
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ દ્વારા ગઈ કાલે સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (SSC) બોર્ડનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એમાં રાજ્યના અહિલ્યાનગરમાં રહીને વડાપાંઉ વેચતી ૪૭ વર્ષની મંગલા રંગનાથ રાંધવણ નામની મહિલા ૫૭ ટકા માર્ક્સ મેળવીને દસમું પાસ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ કારણસર ભણવાનું છોડી દીધા બાદ ઇચ્છા હોવા છતાં મોટા ભાગના લોકો આગળ ભણી નથી શકતા, પણ મંગલામાં શિક્ષિત થવાની જીદ કાયમ હતી એટલે તેણે પરીક્ષા આપી અને પાસ પણ થઈ છે. મંગલા રાંધવણનાં ૧૯૯૪માં રાજેન્દ્ર બોરુડે સાથે લગ્ન થયાં હતાં. પરિવારની જવાબદારીની સાથે બાળકો અને વડાપાંઉના ધંધાની સંભાળ રાખવામાં વર્ષો નીકળી ગયાં. મંગલા રાંધવણને કોઈ પણ રીતે SSCની પરીક્ષા આપવાની અદમ્ય ઇચ્છા હતી એટલે લગ્નનાં ૩૧ વર્ષ બાદ તેણે દિવસે વડાપાંઉનો ધંધો સંભાળવાની સાથે નાઇટ-સ્કૂલમાં ભણીને SSC પાસ કરી છે. હવે આગળનું શિક્ષણ પણ પૂરું કરવા માગતી હોવાનો નિર્ધાર મંગલાએ કર્યો છે. તેણે કહ્યું હતું કે જીવનમાં શિક્ષણ મહત્ત્વનું છે એટલે દરેકે શિક્ષિત થવું જરૂરી છે.