21 December, 2025 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિતુ ચાવડા
મુલુંડ-વેસ્ટના ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ પર BMC ક્વૉર્ટર્સમાં આવેલા એક બિલ્ડિંગમાં રહેતા ૪૯ વર્ષના જિતુ ચાવડાએ શુક્રવારે નાની વાતે ઘરમાં થયેલા વિવાદ બાદ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મામલે મુલુંડ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જિતુભાઈ ડ્રાઇવિંગની નોકરી કરતા હતા. શુક્રવારે સવારથી તેમનો પરિવાર અમુક કામ માટે બહાર ગયો હતો ત્યારે તેમણે ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જિતુભાઈએ આવું કેમ કર્યું એ જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે. બીજી બાજુ ઘરમાં નાનો વિવાદ થતાં આત્મહત્યા કરી હોવાનો દાવો જિતુભાઈના પરિવારજનોએ કર્યો હતો.
જિતુભાઈના ભાઈ ભરત ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાર-પાંચ દિવસ પહેલાં જમવાની વાતે જિતુનો ઘરના સભ્યો સાથે વિવાદ થયો હતો અને ત્યારથી તે ઘરમાં જમતો નહોતો. એકલો-એકલો જ રહેતો હતો. શુક્રવારે સવારે જિતુની પત્ની અને દીકરી-દીકરો અમુક કામસર બહાર ગયાં હતાં. તેઓ જ્યારે પાછાં આવ્યાં ત્યારે ઘરનો દરવાજો લૉક હતો. એ પછી દરવાજો ખોલતાં જિતુએ પંખા પર ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું જોવા મળ્યું હતું. જિતુને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જિતુ હસમુખા સ્વભાવનો હતો. તેને બીજી કોઈ વાતે ટેન્શન નહોતું. તેણે આવું પગલું ભરતાં અમે બધા ચોંકી ગયા છીએ.’
મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે આકસ્મિક મૃત્યુની નોંધ કરી અમે વધુ તપાસ હાથ ધરી છે. જિતુની એક દીકરીના ૨૫ નવેમ્બરે લગ્ન થયાં હતાં.’