04 December, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાં આ વર્ષે નવેમ્બર સુધીમાં ૪૯૯ બાળકો ખોવાયાં હોવાની કે અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. એમાંથી પોલીસે ૪૫૮ બાળકોને શોધી કાઢ્યાં છે, જ્યારે ૪૧ બાળકો હજી પણ મિસિંગ છે. પોલીસનું કહેવું છે કે મોટા ભાગનાં બાળકોએ ઇમોશનલ કારણોને લીધે ઘર છોડ્યું હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. ૧૨૮ કેસમાં પ્રેમસંબંધોને કારણે અને ૧૧૪ કેસમાં માતા-પિતા વઢ્યાં હોવાથી ઘર છોડી દીધું હોવાનું તેમની પૂછપરછમાં કહ્યું હતું. ૧૦૨ બાળકો તેમના સંબંધીઓને ત્યાં ચાલ્યાં ગયાં હતાં, જ્યારે ૬૩ બાળકો ફરવા નીકળી ગયાં હતાં અને ૪૮ તો તેમની ગર્લફ્રેન્ડને ત્યાંથી મળી આવ્યાં હતાં. એક કેસ માનિસક રીતે બાળક અક્ષમ બની ગયાનો હતો, જ્યારે એક કેસમાં બાળકનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ઉપરોકત કુલ કેસમાં ૨૫ ટકા કેસ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટને લગતા હતા.
૪૯૯માં ૩૪૯ છોકરીઓ
આ વર્ષની પહેલી જાન્યુઆરીથી ૨૯ નવેમ્બર સુધીમાં ૪૯૯ બાળકોના મિસિંગની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ૩૪૯ છોકરીઓ હતી. પોલીસે કુલ ૪૫૮ બાળકોને શોધી કાઢ્યાં હતાં જેમાં ૩૧૫ છોકરીઓ હતી. હવે ૪૧ બાળકોને શોધી કાઢવાનાં બાકી છે. એમાં ૩૪ છોકરીઓ અને સાત છોકરાઓનો સમાવેશ થાય છે. બાળકોના મિસિંગના મોટા ભાગના કેસ તુર્ભે (૫૧) અને રબાળે (૪૯)માં નોંધાયા છે.