09 January, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય જનતાની સમસ્યાઓને સમજીને એનો ઉકેલ લાવવા એજ્યુકેટેડ અને સુસંસ્કૃત લોકો રાજકારણમાં આવે એવી માગણી લોકો કરતા હોય છે. તેમની એ માગણી હવે હકીકતમાં પલટાય એ દિવસો દૂર નથી. હાઇલી એજ્યુકેટેડ લોકો હવે ચૂંટણીમાં ઝુકાવી રહ્યા છે. ડૉક્ટરો અને વકીલોએ પણ આ વખતે ઉમદેવારી નોંધાવી છે. આ વખતે BMCની ચૂંટણીમાં ૫૦ ઍડ્વોકેટે ઉમેદવારી નોંધાવી છે. સામાન્ય જનતાના હક માટે કાયદામાં રહીને તેઓ ફૉલોઅપ કરી શકશે એવો વિશ્વાસ મતદારોને આપી રહ્યા છે.
આ ૫૦ ઍડ્વોકેટ અલગ-અલગ વૉર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ઍડ્વોકેટ ઉમેદવાર હોવાના ફાયદા તેઓ ગણાવી રહ્યા છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં મુંબઈમાં અનેક ચેન્જિસ આવ્યા છે. પબ્લિક હેલ્થ, એજ્યુકેશન, પાણીપુરવઠો અને અન્ય સિવિક સમસ્યાઓનો ઉકેલ લાવવા એજ્યુકેટેડ લોકો હોવા જરૂરી છે એમ તેઓ પોતાના પ્રચારમાં કહી રહ્યા છે. રાજકારણમાં એજ્યુકેટેડ યુવાનો આવવા જોઈએ એમ હંમેશાં કહેવાતું આવ્યું છે, પણ હકીકતમાં એજ્યુકેટેડ લોકો રાજકારણથી દૂર રહેતા હોય એવું જણાઈ આવ્યું છે. જોકે હવે એમાં ચેન્જિસ જોવા મળી રહ્યા છે. ઍડ્વોકેટ ઉમેદવારોને સ્થાનિક સમસ્યાઓની જાણ હોય છે. સામાન્ય જનતાના હક અને અધિકાર સંદર્ભે તેઓ કાયદાની અંદર રહીને એ માટે કામ કરી શકે છે એવું આશ્વાસન તેઓ આપી રહ્યા છે.