10 November, 2026 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
થાણેમાં ૧૭ માળના રેસિડેન્શ્યલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગ્યા બાદ ૫૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. દિવાળીના દિવસે એટલે કે રવિવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગ્યે વાગલે એસ્ટેટ વિસ્તારમાં આવેલા રાહેજા ગાર્ડન કૉમ્પ્લેક્સના કાર્લાઇલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. એ બિલ્ડિંગમાં ૨૮ ફ્લૅટ છે.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ (RDMC)ના યાસીન તડવીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, જેઓ થાણે જિલ્લાના ગાર્ડિયન મિનિસ્ટર પણ છે, તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવકામગીરીનું નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આગ સાતમા માળથી ૧૪મા માળ સુધી અને ઇમારતના ડક્ટ, પાઇપલાઇન વેન્ટિલેશન શાફ્ટ સુધી ફેલાઈ ગઈ હતી, જેના પગલે તાત્કાલિક મોટા પાયે રાહત અને બચાવકામગીરી શરૂ કરવામાં આવી હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં ફાયર-એન્જિન પણ આ કામગીરીમાં જોડાયાં હતાં. આગનું ચોક્કસ ઉદ્ગમસ્થાન શોધવા અને ઉપરના માળ પર ફસાયેલા લોકોને શોધી કાઢવા માટે ડ્રોન સહિતની લેટેસ્ટ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રાહતકર્મીઓએ બિલ્ડિંગની ટેરેસ અને નિર્ધારિત રેફ્યુજ એરિયા મારફત લગભગ ૫૦ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સોમવારે મધરાત બાદ ૨.૩૦ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ કૂલિંગ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.