11 November, 2025 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ની હદમાં આવતાં બિલ્ડિંગોના સર્વેમાં ૫૧૩ બિલ્ડિંગો અત્યંત જોખમી સ્થિતિમાં હોવાનું જણાઈ આવ્યું હતું. આ બિલ્ડિંગો મોટી દુર્ઘટના સર્જે એવી સ્થિતિમાં હોવાને કારણે તાત્કાલિક ખાલી કરવા માટે NMMCએ રહેવાસીઓને સૂચન કર્યું હતું.
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ હેઠળ ૩૦ વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં લેવાતી કોઈ પણ ઇમારત માટે NMMCમાં રજિસ્ટર કરવામાં આવેલા સિવિલ અથવા સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવું ફરજિયાત છે. કોઈ પણ અનિચ્છનીય બનાવને ટાળી શકાય એ માટે બિલ્ડિંગને સંપૂર્ણ અથવા આંશિક રીતે ઑક્યુપન્સી સર્ટિફિકેટ મળે ત્યારથી ગણતરી કરીને ૩૦ વર્ષથી વધુ જૂનાં બિલ્ડિંગોનું વહેલી તકે ઑડિટ કરાવવાની અપીલ NMMCએ કરી છે.
સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા સૂચવવામાં આવેલું સમારકામ પૂરું થયાનું સર્ટિફિકેટ અને બિલ્ડિંગ સારી સ્થિતિમાં હોવાની ખાતરી આપતું પ્રમાણપત્ર NMMCને સબમિટ કરવાનું રહેશે. સ્ટ્રક્ચરલ ઑડિટ ન કરાવનાર બિલ્ડિંગ સામે દંડાત્મક કાર્યવાહી કરવાનું NMMCના અધિકારીઓએ જણાવ્યું હતું.