22 May, 2025 08:59 AM IST | Chembur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સંચાલિત ચેમ્બુરના જનરલ અરુણ કુમાર વૈદ્ય સ્વિમિંગ-પૂલમાં ગઈ કાલે સવારે સાડાસાત વાગ્યે સ્વિમિંગ કરતી વખતે હાર્ટ-અટૅક આવતાં દેવનારમાં રહેતા ૫૮ વર્ષના અજિત અન્નિકેનીનું મૃત્યુ થયું હતું. આ મામલે ચેમ્બુર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર અજિતભાઈને હેવી ડાયાબિટીઝ હોવાનું કહેવાય છે અને એને જ કારણે ગઈ કાલે સવારે તેમને સ્વિમિંગ-પૂલમાં જ હાર્ટ-અટૅક આવ્યો હતો.
ચેમ્બુરના પોલીસ-ઇન્સ્પેક્ટર શ્રીકાંત પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૭ વાગ્યે અજિતભાઈ સ્વિમિંગ માટે આવ્યા હતા. તેમને વર્ષોનો સ્વિમિંગનો અનુભવ હોવાથી તેઓ રોજિંદા ક્રમ અનુસાર સ્વિમિંગ-પૂલમાં ગયા બાદ સ્વિમિંગના બે રાઉન્ડ લીધા એ દરમ્યાન ત્રીજો રાઉન્ડ મારવા ગયા ત્યારે તેમને આંકડી આવી ગઈ હતી. એ સમયે સ્વિમિંગ-પૂલમાં બીજા ડૉક્ટર પણ હાજર હતા તેઓ તાત્કાલિક અજિતભાઈની મદદે આવ્યા હતા. જોકે એ સમયે હાર્ટ-અટૅક આવતાં અજિતભાઈનું મૃત્યુ થયું હોવાનું અમને જાણવા મળ્યું હતું. તેમના પોસ્ટમૉર્ટમ-રિપોર્ટમાં પણ મૃત્યુ પાછળનું કારણ હાર્ટ-અટૅક આવ્યું છે.’