મુંબઈ–અમદાવાદ હાઇવે પર વસઈ પાસે ૬ વાહનોની ટક્કર

22 March, 2026 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સસુપાડા ખાતે હાઇવેના સર્વિસ-રોડનું કૉન્ક્રીટાઇઝેશન લાંબા સમયથી ચાલી રહ્યું છે

મુંબઈ-અમદાવાદ હાઇવે પર મેજર ઍક્સિડન્ટ થતાં ટ્રાફિક જૅમ થયો હતો.

મુંબઈ-અમદાવાદ હાઇવે પર વસઈના સસુપાડા પાસે થયેલા ઍક્સિડન્ટમાં એક પાછળ એક ૬ વાહનો અથડાયાં હતાં. આ ઍક્સિડન્ટમાં કોઈને ઈજા થઈ નથી, પણ વાહનોને ભારે નુકસાન થયું છે. એક ટેમ્પો-ડ્રાઇવર ફસાઈ ગયો હતો તેને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને પોલીસે ભારે જહેમત ઉઠાવી તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.  

સસુપાડા ખાતે હાઇવેના સર્વિસ-રોડનું કૉન્ક્રીટાઇઝેશન લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ ઍક્સિડન્ટમાં બે કાર, એક બસ, ટેમ્પો, કન્ટેનર અને એક પિકઅપ વૅનનો સમાવેશ હતો. સસુપાડા ખાતે સર્વિસ-રોડનું કામ લાંબા સમયથી અધવચ્ચે અટકી ગયું છે. વળી આ વિસ્તારમાં ઘણા બધા વળાંક (બ્લૅક સ્પૉટ) હોવાથી અવારનવાર ઍક્સિડન્ટ થાય છે. ગઈ કાલે એક પાછળ એક ૬ વાહનો અથડાતાં હાઇવે જૅમ થયો હતો. ક્રેન બોલાવીને ઍક્સિડન્ટમાં અટવાયેલાં વાહનોને સાઇડમાં કરવાં પડ્યાં હતાં એ દરમ્યાન મોટરિસ્ટોએ ભારે ટ્રાફિક જૅમમાં ફસાઈને હાડમારી વેઠવી પડી હતી.

મુંબઈ–અમદાવાદ હાઇવે પર વાહને જીવલેણ ટક્કર મારી બાઇકને, ત્રણનાં મોત

મુંબઈ–અમદાવાદ હાઇવે પર ગઈ કાલે મનોર પોલીસ-સ્ટેશનની હદમાં દેખાળે વિસ્તારમાં વાઘોબા ખિંડ પાસે બાઇક પર જઈ રહેલાં પુરુષ, મહિલા અને બાળક (એક જ પરિવાર)ને કોઈ અજાણ્યા વાહને અડફેટે લીધાં હતાં. ટક્કર એટલી જોરદાર હતી કે એ ત્રણેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મનોર પોલીસને આ ઘટનાની જાણ થતાં જ સ્પૉટ પર પહોંચીને ત્રણે મૃતદેહનો કબજો લીધો હતો અને મનોર રૂરલ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારી ત્રણે વ્યક્તિની ઓળખ કરવાના પ્રયાસ ચાલુ હતા. આ અકસ્માત કરીને નાસી જનારા વાહનચાલકને શોધી કાઢવા ટોલનાકા પરના ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.

સાઉથ કોરિયામાં કાર-પાર્ટ‍્સની ફૅક્ટરીમાં આગ, ૧૧ લોકોનાં મોત

સાઉથ કોરિયાની કાર પાર્ટ્સની ફૅક્ટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય ઓછામાં ઓછા ૫૯ લોકો ઘાયલ થયા હતા, જેમાં ફાયર-બ્રિગેડના બે કર્મચારીઓનો સમાવેશ થાય છે. આમાંથી પચીસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે ૩૪ લોકોને નાની-મોટી ઈજા થઈ છે. ગુમ થયેલા ૩ કામદારોને શોધવા માટે બચાવ-કામગીરી ચાલુ છે. પ્લાન્ટના બળી ગયેલા કાટમાળમાંથી ૧૧મી વ્યક્તિના અવશેષો મળી આવ્યા હતા.

mumbai mumbai news vasai road accident mumbai traffic