16 September, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કુન્દ્રા
મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW) દ્વારા બિઝનેસમૅન રાજ કુન્દ્રાની પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા પર અત્યારે ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપસર EOWની ઇન્ક્વાયરી ચાલી રહી છે.
EOWએ પાઠવેલા સમન્સ બાદ રાજ કુન્દ્રા સોમવારે તપાસ માટે હાજર થયો હતો. EOWએ મીડિયાની દખલગીરીથી બચવા માટે સ્થળ જાહેર કર્યું નહોતું. અજ્ઞાત જગ્યાએ રાજ કુન્દ્રાની પૂછપરછ કરીને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. EOWના એક અધિકારીએ જણાવ્યું હતું ‘અમે રાજ કુંદ્રાનું નિવેદન નોંધ્યું છે. આવતા સપ્તાહે ફરીથી તેને સમન્સ પાઠવવામાં આવશે. તપાસના આગામી રાઉન્ડમાં વધુ સાક્ષીઓનાં નિવેદનો લેવામાં આવશે.’
અત્યારે શિલ્પા શેટ્ટીના નામે કોઈ સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યો નથી. અગાઉ કુન્દ્રા દંપતી વિરુદ્ધ મુંબઈ પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપની બેસ્ટડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ નામના ઑનલાઇન શૉપિંગ પ્લૅટફૉર્મ દ્વારા લોન-કમ-ઇન્વેસ્ટમેન્ટની એક ડીલપેટે ૬૦.૪૮ કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ રકમ બિઝનેસને બદલે અંગત રીતે ઉપયોગમાં લેવાનો અને રકમ પરત ન કરી હોવાનો કેસ કુન્દ્રા દંપતી પર ચાલી રહ્યો છે.