03 August, 2026 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંતે પાંચ તબક્કામાં એકસાથે ૧૬-૧૪-૧૧-૮-૩ વગેરે ઉપવાસોનાં પચ્ચક્ખાણ આપ્યાં હતાં.
છેલ્લા ૧૦ ચાતુર્માસમાં પ્રતિ વર્ષ સામૂહિક માસક્ષમણ (સળંગ ૩૦ ઉપવાસ) કરાવીને ૯ વર્ષમાં કુલ ૩૨૪૩ માસક્ષમણો કરાવનાર અને જૈનશાસનમાં ‘માસક્ષમણ સ્પેશ્યલિસ્ટ’નું સન્માન ધરાવતા જૈનાચાર્ય રાજરત્નસૂરિશ્વરજી મ.સા. તથા તેમના સુવિશાલ શિષ્યવૃંદના સાંનિધ્યમાં રવિવારે બીજી ઑગસ્ટે મુલુંડના નિર્મલ લાઇફસ્ટાઇલ ડોમમાં સવારે ૭.૦૦થી ૧૦.૩૦ વાગ્યા દરમ્યાન અનોખો ઇતિહાસ સર્જવા સાથે કુલ ૬૫૦૦ ભાવિકોએ વિવિધ ઉપવાસનાં પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) જૈનાચાર્યના મુખેથી ભારે હર્ષોલ્લાસપૂર્વક ગ્રહણ કર્યાં હતાં. આ સમયે ‘વર્લ્ડ બુક રેકૉર્ડ્સ ઑફ લંડન’ના પ્રતિનિધિઓએ ખાસ ઉપસ્થિત રહીને જૈનાચાર્યને અને મુલુંડ જૈન સંઘને હજારોની સંખ્યામાં થઈ રહેલી ઉપવાસ ઘટનાને ઉપવાસોની શ્રેષ્ઠ સંખ્યા ઘટનાનું પ્રમાણપત્ર આપ્યું હતું જે હવે પછીના તબક્કે માસક્ષમણના વર્લ્ડ રેકૉર્ડના પ્રમાણપત્ર તરફ જવાની વ્યાપક સંભાવના છે.
પચ્ચક્ખાણ કઈ રીતે અપાયાં?
વહેલી સવારે ૭.૦૦ વાગ્યાથી નિર્મલ લાઇફસ્ટાઇલ ડોમમાં ભાવિકોનો અવિરત ધસારો હતો. તપસ્વીઓને અલગ-અલગ છ બૅચમાં વિભક્ત કરીને વ્યવસ્થાનું શ્રેષ્ઠ ઉદાહરણ મુલુંડ જૈન સંઘે પ્રસ્તુત કર્યું હતું. કોઈ પણ અરાજકતા થવા દીધા વિના છ તબક્કામાં તપસ્વીઓએ વિશાલ સમવસરણમાં સ્થાપિત કરાયેલા ચાર વિશાલ પંચધાતુના ભગવાન સમક્ષ નવકાર મંત્ર સ્મરણપૂર્વક ત્રણ વાર પ્રદક્ષિણા આપી હતી. અે સમયે મંચ પરથી સંગીતમય તપશ્ચર્યાં ગીતો સાથે અદ્ભુત વાતાવરણ રચાતું હતું. સમવસરણમાં વિરાજમાન ચાર પૈકી એક પ્રભુજી જૈન સંઘોમાં સુપ્રસિદ્ધ વારાહીના શાંતિનાથદાદા હતા કે જે ખાસ આ સમૂહ પચ્ચક્ખાણ માટે પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલિતાણાથી લવાયા હતા. છયે બૅચની તમામ પ્રદક્ષિણા પૂર્ણ થયા બાદ જૈનાચાર્યે ૨૦ મિનિટ પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. અંતે પાંચ તબક્કામાં એકસાથે ૧૬-૧૪-૧૧-૮-૩ વગેરે ઉપવાસોનાં પચ્ચક્ખાણ આપ્યાં હતાં.
તપમાં કોણ-કોણ જોડાયા?
આ મહાતપમાં ૧૦ વર્ષનાં બાળકો, CA, ડૉક્ટરી લાઇનનો અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ, વ્યાપારીઓ, શ્રીમંતો અને વૃદ્ધો એમ વ્યાપક સ્તરના ભાવિકો જોડાયા છે. અેમાં આ માહોલથી પ્રભાવિત થઈ એક અજૈન બહેન ૩૦ ઉપવાસની ભાવનાથી જોડાયાં છે. ૭૫ વર્ષના શારીરિક રીતે અક્ષમ મહિલા પણ માસક્ષમણમાં જોડાયાં છે. ભરપૂર જવાબદારી છતાં ૩ CA ભાવિકોએ સળંગ ૧૬ ઉપવાસનાં પચ્ચક્ખાણ લીધાં છે, તો એક આરાધકે સળંગ ૩૦ દિવસના પાણીના પણ સંપૂર્ણ ત્યાગ સાથે પ્રથમ ૧૧ ઉપવાસનાં પચ્ચક્ખાણ લીધાં છે.
સળંગ ઉપવાસનાં પચ્ચક્ખાણ કેટલાં થાય?
જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વજી મહારાજે જણાવ્યું હતું કે ‘ભગવાન મહાવીરના શાસનમાં એકસાથે સળંગ ૧૬ ઉપવાસથી વધુ પ્રતિજ્ઞા ન કરાય એટલે કે એક વ્યક્તિ સળંગ ૩૦ ઉપવાસ કરે તો એ પહેલાં વધુમાં વધુ ૧૬ ઉપવાસની પ્રતિજ્ઞા કરે પછી પારણાં વિના જ સળંગ ૧૪ ઉપવાસની પ્રતિજ્ઞા લઈ સળંગ ૩૦ ઉપવાસ કરે. આ સળંગ પચ્ચક્ખાણ લેવા માટે ખૂબ હિંમત જોઈએ, કેમ કે પ્રતિજ્ઞા લીધા બાદ એ પૂર્ણ કરવી જ પડે.` મુલુંડમાં આવા સળંગ ૧૬ કે ૧૧નાં પચ્ચક્ખાણ સાડાચારસો ભાવિકોએ લીધા હતા.
માસક્ષમણનું જ તપ કેમ?
જૈનાચાર્યે આની સમજ એ રીતે આપી હતી કે `આ સળંગ ૩૦ ઉપવાસનું તપ ભગવાન મહાવીરદેવે પૂર્વના ત્રીજા જન્મમાં સૌથી વધુ વાર કર્યું હતું. એમનું ધર્મશાસન વર્તમાનમાં હોવાથી અમે એ તપ વિશેષ કરાવીએ છીએ. એ મૃત્યુની પીડા સમયે સમાધિ ટકાવવારૂપે મૃત્યુ પર વિજય અપાવતું હોવાથી મૃત્યુંજય તપ કહેવાય છે. માટે અમે પણ આ તપને વધુ મહત્ત્વ આપીએ છીએ.`
૬૫૦૦ની સંખ્યા માટે જૈનાચાર્યની સ્પષ્ટ સમજ
૬૫૦૦ આરાધકોની આ સંખ્યા ૩થી ૩૦ ઉપવાસ કરનાર તપસ્વીઓની છે. સૌને માસક્ષમણની ભાવના છે પણ બધા જ એ પૂર્ણ કરી શકે એમ ન કહેવાય. જેઓ દૃઢમનોબળ અને શ્રદ્ધાથી આગળ વધશે તેઓના માસક્ષમણ જરૂર પૂર્ણ થશે. ભૂતકાળના અનુભવથી કહીએ તો પ્રારંભની આ સંખ્યા અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ છે. એથી માસક્ષમણની સંખ્યા પણ ચાર આંકડાની આવવાની સંભાવના છે જે રેકૉર્ડરૂપ બનશે, કારણ કે આટલા માસક્ષમણો એકસાથે પૂર્વે ક્યાંય નથી થયા. જૈનાચાર્યના સાંનિધ્યમાં છેલ્લાં ૯ વર્ષમાં ૩૨૪૩ ભાવિકોએ માસક્ષમણો સફળતાપૂર્વક કર્યા છે.