14 September, 2025 02:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણ-ડોમ્બિવલીમાં સૌથી મોટી સમસ્યા આજે રખડતા, પાછળ દોડતા અને નિર્દોષ લોકોને કરડતા રખડતા કૂતરાઓની છે ત્યારે ગઈ કાલે ફરી પાછા કૂતરાઓએ એક જ દિવસમાં ૬૭ લોકોને બચકાં ભર્યાં હતાં. ગઈ કાલે વહેલી સવારથી કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની કલ્યાણની રુક્મિણીબાઈ હૉસ્પિટલમાં અને ડોમ્બિવલીની શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં કૂતરા કરડ્યા બાદ લોકો પહોંચતાં મોટી લાઇન જોવા મળી હતી. અમુક લોકોના શરીર પર કૂતરાઓએ એકથી વધુ બચકાં ભર્યાં હોવાનું જોવા મળ્યું હતું.
KDMCનાં હેલ્થ ઑફિસર દીપા શુક્લાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે દિવસ દરમ્યાન કલ્યાણ અને ડોમ્બિવલીમાં ૧૫થી ૨૦ કેસ ડૉગબાઇટના આવે છે, પણ ગઈ કાલે એક જ દિવસમાં રાતે ૭ વાગ્યા સુધીમાં ડૉગબાઇટના ૬૭ કેસ આવ્યા હતા. આ તમામ લોકોને KDMCની હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ કેસમાં બે-ત્રણ દરદીઓની હાલત ગંભીર જોતાં તેમને ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. ગઈ કાલે એક જ દિવસમાં કેમ આટલા કેસ આવ્યા એની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાં વધારે કેસ આવ્યા છે ત્યાંના કૂતરાઓને વૅક્સિન આપવાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. એ ઉપરાંત હવે પછી KDMC અંતર્ગત મોટા પ્રમાણમાં વૅક્સિન અભિયાન હાથ ધરવામાં આવશે.’