06 November, 2025 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઘોડબંદર રોડ પરના ડોંગરીપાડા વિસ્તારના માનસ આનંદ બિલ્ડિંગની બહાર સોમવારે સવારે ત્રણ ગઠિયાઓ પોલીસ હોવાનો દાવો કરીને ૬૭ વર્ષના લક્ષ્મીચંદ ફુરિયાને વાતોમાં ભોળવીને ત્રણ ખોટી વીંટી આપીને બે લાખ રૂપિયાના દાગીના સેરવી ગયા હતા. આ મામલે કાસારવડવલી પોલીસે અજાણ્યા યુવકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘરમાં ફરસાણનો વ્યવસાય કરતા લક્ષ્મીચંદભાઈ સોમવારે સાંજે વાઘબીળ નાકા નજીક ગોળ લેવા માટે ગયા હતા. ગોળ લીધા બાદ ઘર નજીક પહોંચતાં રસ્તા પર ત્રણ જણે તેમને અટકાવીને છેતરપિંડી કરી હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે ઘટનાસ્થળ નજીકના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજથી આરોપીની ઓળખ કરીને વધુ તપાસ હાથ
ધરી છે.
કાસારવડવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘોડબંદર રોડ પર ડોંગરીપાડામાં આવેલા માનસ આનંદ બિલ્ડિંગમાં પત્ની સાથે રહીને ફરસાણ બનાવીને વેચતા લક્ષ્મીચંદ ફુરિયા સોમવારે સવારે સાડાઆઠ વાગ્યે ઘરેથી સ્કૂટર પર વાઘબીળના એક જનરલ સ્ટોરમાં ગોળ લેવા ગયા હતા. ત્યાંથી પાછા પોતાની સોસાયટીના ગેટ નજીક આવ્યા ત્યારે એક યુવકે પોતાની ઓળખ પોલીસ-અધિકારી તરીકે આપીને કહ્યું હતું કે તમે સિનિયર સિટિઝન છો, તમે કેમ સોનાની ચેઇન અને વીંટી પહેરીને ફરો છો, રસ્તા પર દાગીના ખેંચીને ભાગી જવાના અનેક બનાવ બને છે, તમે તમારા દાગીના કાઢીને અંદર રાખી દો. આ સાંભળીને ફરિયાદીએ પોતાના દાગીના કાઢી ખિસ્સામાં રાખવા જતાં પાછળથી બીજો એક યુવક આવ્યો
હતો અને તેણે ફરિયાદીને કાગળ આપીને દાગીના એમાં રાખી દેવાનું કહ્યું હતું. એ પછી પ્રથમ યુવકે અને પછીથી આવેલા ત્રીજા યુવકે ફરિયાદીની નજીક આવીને તેમને અલગ-અલગ વાતોમાં ભોળવ્યા હતા. ત્યાર બાદ દાગીના રાખેલા કાગળનું પડીકું વાળીને ફરિયાદીના હાથમાં આપી ત્રણે ગઠિયાઓ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. જ્યારે ઘરે જઈને ફરિયાદીએ કાગળનું પડીકું ખોલીને જોયું તો અંદર ત્રણ ખોટી વીંટી જોવા મળી હતી. એ પછી છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કામ બોલબચન ગૅન્ગનું હોવાની શંકાના આધારે આરોપીની તપાસ હાથ ધરવામાં આવી છે.’