પત્નીને ચા બનાવવાનું કહીને ગયેલો પ​તિ પાછો આવ્યો જ નહીં

27 April, 2024 03:54 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

ગોરેગામમાં રહેતા ૬૮ વર્ષના ગુજરાતી સફાઈ-કર્મચારીએ મલાડમાં ડ્રેનેજ ચેમ્બરમાં ગૂંગળામણથી જીવ ગુમાવ્યો : પુત્ર કહે છે કે વર્ષોથી પપ્પા સેફ્ટી સિવાય કામ કરતા નથી, પણ એ દિવસે શું થયું એનાથી અમે અજાણ છીએ

ગોરેગામના ગુજરાતી સફાઈ કર્મચારીએ ડ્રેનેજમાં ઊતરતાં જીવ ગુમાવ્યો હતો

મલાડ-ઈસ્ટમાં રાણી સતીમાર્ગ પર એક પ્રાઇવેટ ડેવલપરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બુધવારે બપોરે ડ્રેનેજલાઇનની અંદાજે ૪૦ ફુટ ઊંડી સેફ્ટી ટૅન્કમાં સફાઈ કરવા ઊતરેલા ગોરેગામમાં રહેતા ગુજરાતી સફાઈ-કર્મચારી રઘુભાઈ સોલંકીનું મૃત્યુ થયું હતું. તેમને બચાવવા ઊતરેલા જાવેદ શેખ નામના યુવકે પણ જીવ ગુમાવ્યો હતો અને આ​​કિબ શેખ નામના યુવકની હાલત ગંભીર હોવાથી તેને ઇન્ટે​ન્સિવ કૅર યુ​નિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યો છે.

ગોરેગામ-ઈસ્ટના હનુમાનનગરમાં આવેલી એક ચાલમાં રહેતો રઘુભાઈ સોલંકીનો પરિવાર મૃત્યુના એ દિવસે તેમની સાથે શું બન્યું હતું એનાથી અજાણ છે.

રઘુભાઈ સોલંકી બૃન્હમુંબઈ મ્યુ​નિ​સપલ કૉર્પોરેશન (BMC)ના સફાઈ-કર્મચારી હતા. નિવૃત્તિ બાદ તેમની નોકરી તેમના મોટા દીકરા ભગવાનને આપવામાં આવી હતી. ભગવાન નાલાસોપારામાં રહે છે. તેમનો ત્રીજા નંબરનો દીકરો સની મૉલમાં કામ કરે છે અને બીજા નંબરની દીકરી ભારતીનાં લગ્ન થઈ ગયાં છે. પરિવારમાં ભાઈ-બહેનોને પપ્પા સાથે ખૂબ લગાવ હતો. પપ્પા વગર અમને કોઈને ચાલે એમ નહોતું એમ જણાવીને ભારતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગમે એટલા બિઝી હોઈએ પણ પપ્પા સાથે વાત થતી. પપ્પાના મૃત્યુના સમાચાર અમને અચાનક જ મળતાં અમારા અને ખાસ કરીને મમ્મીના રડી-રડીને ખરાબ હાલ થયા છે. તે બરાબર બોલી પણ શકતી નથી.’

પપ્પા રાહેજા ગાર્ડનમાં ઘણા સમયથી દિવસમાં ત્રણ વાર સફાઈનું કામ કરતા હતા એમ જણાવીને રઘુ સોલંકીના મોટા દીકરા ભગવાને કહ્યું હતું કે ‘છેલ્લી વાર પપ્પાએ મમ્મીને સાંજે ચારેક વાગ્યે ચા બનાવવા કહ્યું હતું. ત્યારે કોઈનો ફોન આવતાં થોડી જ વારમાં આવું છું એમ કહીને તેઓ ગયા હતા. ત્યાર બાદ સીધો પોલીસનો ફોન આવ્યો કે તેમની તબિયત નાજુક છે. હૉસ્પિટલમાં પહોંચ્યા બાદ ત્યાં હાજર અન્ય બે લોકોના પરિવારના સભ્યો અને ત્યાં કામ કરતા વૉચમૅન પાસેથી જાણવા મળ્યું કે મારા પપ્પા ૩૦ મિનિટ સેપ્ટિક ટૅન્કમાં પડી રહ્યા હતા. કોઈએ મદદ માગતાં બે લોકો દોડ્યા હતા જેમાં બીજો પણ અંદર પડી ગયો અને ત્રીજાને ગૅસ મોં પર આવતાં તે ઘટનાસ્થળે બેભાન થઈ ગયો હતો. ફાયરબ્રિગેડની મદદથી સેપ્ટિક ટૅન્કમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. આ તમામ માહિતી અમને ફક્ત એ પરિવારો પાસેથી જાણવા મળી હતી, પણ ચોક્કસ શું બન્યું એની અમને પણ ખબર નથી. ગુરુવારે પપ્પાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ પાકું છે કે પપ્પા ડ્રેનેજ સાફ કરવા ઊતરે ત્યારે બે-ત્રણ યુવકોને સાથે રાખતા હોય છે. આ બનાવમાં બે જણના જીવ ગયા હોવા છતાં સરકારે યોગ્ય કડક કાર્યવાહી કરી નથી. શું નાની વ્યક્તિના જીવની કોઈ કિંમત હોતી નથી?’

goregaon mumbai mumbai news malad preeti khuman-thakur