23 March, 2026 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માનપાડા પોલીસે ૪ શ્વાનના મૃતદેહો તાબામાં લઈને વધુ તપાસ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી દીધા છે
ડોમ્બિવલી-ઈસ્ટમાં આવેલી ઍનિમલ ફૂડ બનાવતી કંપનીમાં થોડા દિવસ પહેલાં ફૅક્ટરીની અંદર અને બહાર પેસ્ટ કન્ટ્રોલ કરવામાં આવ્યું હતું. એ પછી થોડા દિવસની અંદર ફૅક્ટરીની નજીક ૭ રખડતા શ્વાન મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ આ બધા જ શ્વાન ઝેરી કેમિકલવાળું ફૂડ ખાવાને કારણે મરી ગયા હોય એવું જણાયું હતું. આ બાબતે ઍનિમલ ઍક્ટિવિસ્ટે પોલીસમાં કશુંક ખોટું થયું હોવાનું જણાવીને ફરિયાદ કરતાં માનપાડા પોલીસે આ સંદર્ભે ફૅક્ટરીના માલિક, તેના ભાઈ અને વર્કર સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
માનપાડા પોલીસે ૪ શ્વાનના મૃતદેહો તાબામાં લઈને વધુ તપાસ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી દીધા છે. ડોમ્બિવલી-ઈસ્ટમાં આવેલી એકલવ્ય ઍનિમલ પેડિગ્રી ફૅક્ટરી ડૉગ માટે ફૂડ બનાવે છે. થોડા વખત પહેલાં કીટકોનો ત્રાસ વધી ગયો હોવાથી ફૅક્ટરીના માલિકે યુનિટની અંદર અને આજુબાજુમાં પેસ્ટ કન્ટ્રોલ કરાવ્યું હતું. એ પછી વારાફરથી ૭ રખડતા શ્વાનનાં મોત થયાં હતાં. ઍનિમલ ઍક્ટિવિસ્ટ સુપ્રિયા સુર્વેએ કાવતરું હોવાની શંકા પોલીસને જણાવી ત્યાર બાદ કંપનીના માલિકે તેને ધમકી આપી હોવાનો આક્ષેપ પણ તેણે કર્યો છે.