28 February, 2026 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્વાનના હુમલામાં જીવ ગુમાવનાર બાળક ખુશીલ વાઘ.
બે દિવસ પહેલાં કલ્યાણમાં ૩૦ વર્ષના એક યુવકે શ્વાન કરડવાથી અને હડકવાનાં લક્ષણો દેખાતાં આત્મહત્યા કરી હતી. આ ઘટના હજી તાજી જ હતી ત્યારે રખડતા શ્વાનના કરડવાથી કલ્યાણમાં ૭ વર્ષના એક બાળકે જીવ ગુમાવ્યો છે અને બીજું એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે. કલ્યાણ નજીક એક ગામમાં રસ્તા પર પસાર થઈ રહેલાં નાનાં બાળકો પર શ્વાને હુમલો કર્યો હતો. આ હુમલામાં બે નાનાં બાળકો ઘાયલ થયાં હતાં. બન્ને બાળકોના હાથ-પગમાં ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં ૭ વર્ષના છોકરાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં રખડતા શ્વાનના હુમલાઓની સંખ્યા વધી છે. તેથી લોકોએ આ બાબતે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે.