૭૦ વર્ષના વડીલ આડી લાઇને ચડે પછી છેતરાય જને

04 August, 2026 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડેટિંગ અૅપ પર ફ્રેન્ડશિપ કરવા ગયા એમાં ભટકાયેલી મહિલા ૧૮+ લાખ રૂપિયા પડાવી ગઈ: સાસરિયાં મારઝૂડ કરે છે એવું ખોટું બહાનું કરીને મહિલાએ વૃદ્ધને પટાવ્યા, નકલી પોલીસના નામે ડરાવીને કટકે-કટકે પૈસા પડાવ્યા

AI ઇમેજ

ડોમ્બિવલી-વેસ્ટમાં રહેતા અને એક ખાનગી કંપનીમાંથી નિવૃત્ત થયેલા ૭૦ વર્ષના વૃદ્ધને ડેટિંગ ઍપ્લિકેશન પર એક મહિલા સાથે મિત્રતા કરવાના ચક્કરમાં પોતાની જીવનભરની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે. નિમિષા અલ્વા 

નામની પરણેલી મહિલાએ ‘મારાં સાસરિયાં અને પતિ મારી મારઝૂડ કરે છે અને મારી પાસે ઘરે પાછા જવાના પણ પૈસા નથી’ ત્યાંથી વાતની શરૂઆત કરી હતી અને વિવિધ બહાનાં હેઠળ માર્ચથી અત્યાર સુધીમાં તબક્કાવાર ૧૮,૨૨,૫૪૨ રૂપિયા પડાવી લીધા હતા. તાજેતરમાં મહિલાએ વાત બંધ કરી દેતાં તેમ જ વધુ તપાસ કરતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવતાં વૃદ્ધે આ મામલે વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ટેક્નિકલ તપાસ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

શું હતો ઘટનાક્રમ?
ડોમ્બિવલી-વેસ્ટના શાસ્ત્રીનગરમાં રહેતા નિવૃત્ત વૃદ્ધની માર્ચ મહિનાની શરૂઆતમાં ડેટિંગ ઍપ્લિકેશન પર નિમિષા અલ્વા નામની પરણેલી મહિલા સાથે ઓળખાણ થઈ હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે ટેલિગ્રામ પર વાતચીત શરૂ થઈ હતી.

મહિલાએ પોતાનાં સાસરિયાં અને પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવતી હોવાનું તેમ જ ઘરે પાછા જવાના પૈસા ન હોવાનું ખોટું નાટક કર્યું હતું. વૃદ્ધે તેની વાત પર વિશ્વાસ મૂકીને માર્ચની શરૂઆતના દિવસોમાં પોતાના બૅન્ક-ખાતામાંથી તબક્કાવાર હજારો રૂપિયાની આર્થિક મદદ મોકલી આપી હતી.

૨૮ માર્ચે વૃદ્ધને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળા માણસે પોતે બૅન્ગલોરથી ACP તેજસ બોલે છે એવી ઓળખ આપી હતી. તેણે વૃદ્ધને ડરાવ્યા કે મહિલા અને તેના પતિએ તેમની વિરુદ્ધ FIR નોંધાવ્યો છે અને જો તેઓ બૅન્ગલોર પોલીસ-સ્ટેશને હાજર નહીં થાય તો તેમની ધરપકડ કરવા માટે પોલીસ ઘરે આવશે.

ધરપકડ અને કાનૂની કાર્યવાહીથી બચાવવાની લાલચ આપીને ઠગાઈ કરનારાઓએ વૃદ્ધ પાસેથી માર્ચથી ૧૪ જુલાઈ દરમ્યાન કટકે-કટકે કુલ ૧૮,૨૨,૫૪૨ રૂપિયા પડાવી લીધા હતા.
તમામ બચત ગુમાવ્યા બાદ પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વૃદ્ધે વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

mumbai news mumbai dombivli Crime News mumbai crime news cyber crime mumbai police