15 June, 2026 07:11 AM IST | Mumbai | Varsha Chitaliya
હર્ષદ રવેશિયા
ગયા મહિને ફેસબુક પર એક મિત્રનું નામ વાંચ્યા પછી પંચાવન વર્ષ જૂના સાથીઓને ભેગા કરવાનું મન થયું ૭૨ વર્ષના હર્ષદ રવેશિયાને : ગિરગામ સાર્વજનિક હાઈ સ્કૂલમાં સાથે ભણતા હતા એવા દોસ્તારોને શોધવા ગુજરાતી અખબારોમાં જાહેરખબર આપી અને સોશ્યલ મીડિયાની પણ મદદ લીધી : ત્રણેક અઠવાડિયાંમાં ૬૫ ક્લાસમેટ્સ અને ૩ શિક્ષકો મળ્યા છે
ગિરગામની એક સ્કૂલમાં પંચાવન વર્ષ પહેલાં સાથે ભણેલા મિત્રોને ફરી મળવાની ઇચ્છાથી ઘાટકોપરના અને મોટે ભાગે ઉમરગામમાં રહેતા ૭૨ વર્ષના ઇન્ડસ્ટ્રિયલિસ્ટ હર્ષદ રવેશિયાએ અખબારોમાં જાહેરખબર આપીને અને સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકીને શોધખોળ શરૂ કરી છે. ત્રણેક અઠવડિયાંમાં ૧૧૦ સહપાઠીઓમાંથી ૬૫ ક્લાસમેટ્સ અને ૩ શિક્ષકોને શોધવામાં તેઓ સફળ થયા છે. જોકે તેમની આ સફર હજી અટકી નથી. બાકીના મિત્રો અને શિક્ષકો સુધી પહોંચવા માટેના તેમના પ્રયાસો હજી ચાલુ છે. તેમનું એક જ મિશન છે : સમગ્ર બૅચને એક છત નીચે લાવીને બાળપણની યાદોને ફરી જીવંત કરવી.
ફરી એક વાર ક્લાસરૂમમાં મળવું છે, ફરી બાળપણમાં જવું છે એમ ભાવુક થઈને જણાવીને હર્ષદભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૯૭૧માં ગિરગામ સાર્વજનિક હાઈ સ્કૂલમાંથી મૅટ્રિક પાસ કર્યું. કાલબાદેવી રોડ અને ગિરગામને જોડતી કોલભાટ લેનના ગિરગામ તરફના છેવાડે પાંચ માળની સ્કૂલની ઇમારત હતી. આજે ત્યાં અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3નું કાલબાદેવી સ્ટેશન છે. એન્જિનિયર બન્યા પછી જીવનમાં ખૂબ પ્રગતિ કરી. પૈસા કમાવાની દોડ, સામાજિક વ્યવહારો, પત્ની અને સંતાનોની માયામાં જિંદગી પસાર થઈ ગઈ. બહોળો પરિવાર અને ગાજતું ઘર છતાં ક્યારેક મન ઉદાસ થઈ જાય, વીતેલા દિવસો બહુ યાદ આવે. ગયા મહિને ફેસબુક પર એક નામ વાંચવા મળ્યું - મહેન્દ્ર ધરોડ. તેની સ્ટોરીમાં પરિવાર સાથે તીથલ ફરવા આવ્યા હોવાનું લખ્યું હતું. તરત મેસેન્જર ઍપ દ્વારા તેનો કૉન્ટૅક્ટ કર્યો. બાળપણના મિત્ર સાથે વર્ષો પછી પણ એ જ ભાષામાં વાત કરી શકો. મારી ફૅક્ટરી ઉમરગામમાં છે, જો મળ્યા વિના ગયો તો ટાંટિયો ભાંગી નાખીશ એમ કહ્યું. રિટર્નમાં પરિવાર સાથે ફૅક્ટરીમાં મળવા આવ્યો. આખો દિવસ સાથે રહ્યા. કલાકો ગપ્પાંગોષ્ઠિ કરી. વાત-વાતમાં અમે નક્કી કર્યું કે બધાને શોધીએ. બે દિવસમાં રમેશ મોદી, શૈલેષ મોદી, માધવદાસ ઠક્કર અને નરેન્દ્ર શાહનો સંપર્ક થઈ ગયો. ત્યાર બાદ બીજા ૩ મિત્રો મળતાં ઝુંબેશને આગળ વધારવાની હિંમત થઈ. અખબારોમાં જાહેરખબર આપ્યા પછી મિત્રોની વણજાર લાગી. એ વખતે મૅટ્રિક બૅચમાં કુલ ૧૧૦ વિદ્યાર્થીઓ હતા. ૨૦ દિવસમાં ૬૫ સહપાઠીઓ અને ઉદવાડામાં રહેતા વસંતભાઈ પંડ્યા અને મુંબઈમાં રહેતાં ગૌરીબહેન અને ઇન્દુબહેન સહિત ૩ શિક્ષકોને શોધવામાં સફળ થયા છીએ. જોગાનુજોગ એ વખતે ફૅક્ટરીમાં શિવપુરાણનું આયોજન કર્યું હતું. વસંતસર, તેમનાં પત્ની અને કેટલાક મિત્રોએ ઉપસ્થિત રહીને પ્રસંગની શોભા વધારી હતી. અત્યારે મિત્રોની ઉંમર ૭૨ની આસપાસ અને શિક્ષકોની ઉંમર નેવુંની આસપાસ હોવી જોઈએ. કદાચ કોઈક હયાત ન હોય એવું પણ બની શકે. હવે વધુ મિત્રો અને ટીચિંગ સ્ટાફને શોધવા નામાવલિ તૈયાર કરી છે. આગામી દિવસોમાં વ્યક્તિગત નામ સાથે જાહેરખબર આપીને શોધવાનો પ્રયાસ કરીશું. જો કોઈ હયાત ન હોય તો તેમનો પરિવાર કૉન્ટૅક્ટ કરી શકે. વર્ષો વીતી ગયાં, વાળ ધોળા થઈ ગયા; પરંતુ શાળાજીવનની યાદો આજે પણ એટલી જ તાજી છે. આવી ભાવના સાથે આગામી સમયમાં રીયુનિયનનો કાર્યક્રમ કરવો છે. જોકે એ પહેલાં બાકી રહેલા મિત્રોનો મેળાપ થઈ જશે એવી આશા છે.’
લતેશ શાહ પણ સહપાઠી
બાળપણના મિત્રોને શોધવાની હર્ષદભાઈની ઝુંબેશ રંગ લાવી છે. વર્ષો બાદ સંપર્કમાં આવેલા અનેક મિત્રોમાં ગુજરાતી રંગભૂમિના સર્જક-લેખક-કલાકાર લતેશ શાહનો પણ સમાવેશ થાય છે. લતેશભાઈએ આ ભગીરથ કાર્ય માટે આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ખખડી ગયેલા ખોળિયામાં આજે બાળપણ પાછું જાગ્યું; જોને હર્ષદ, તારા એક સાદે આખું ગિરગામ ગાજ્યું.’
શિક્ષક વસંતભાઈ પંડ્યાએ આ પ્રયાસની સરાહના કરતાં જણાવ્યું હતું કે ‘આજના યંત્રયુગમાં ઘરના સભ્યોનો સંપર્ક સાધવાનો સમય નથી ત્યારે પંચાવન વર્ષ અગાઉ છૂટા પડેલા મિત્રોને શોધવાનો પ્રયાસ ઘાસના પૂળામાંથી સોય શોધવા જેવું અઘરું કાર્ય છે જે તમે કરી બતાવ્યું.’