16 June, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેની હીરાનંદાની એસ્ટેટમાંથી છેલ્લા બે મહિનામાં ૮ ટૂ-વ્હીલર્સ ચોરી કરનારા ત્રણ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. ત્રણેયે કુલ ૯ લાખ રૂપિયાની કિંમતનાં ટૂ-વ્હીલર્સની ચોરી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. વાહન ચોરવાની તેમની રીત વિશે પોલીસે જણાવ્યું હતું કે હૅન્ડલ લૉક ન હોય એવાં વાહનોને આરોપીઓ થોડા અંતર સુધી ધક્કો મારીને લઈ જતા અને પછી તેમના મેઇન ઇગ્નિશન સ્વિચ વાયરને કટ કરીને ઇલેક્ટ્રિક ફ્યુઝથી ઑન કરી એને લઈ જતા હતા. જોકે સરકારની જ ઍપ્લિકેશનનો ઉપયોગ ચોરી કરાયેલાં વાહનો વેચવા માટે થતો હોવાનું તપાસ દરમ્યાન જણાયું હતું. પકડાયેલા ચોરોનાં નામ સોહેલ અબ્દુલ શેખ, મિલિંદ મનોહર સાવંત અને ભૂષણ દિગંબર પૂરી ઉર્ફે રામ ગોસ્વામી હોવાની માહિતી પોલીસે આપી હતી.
બધી જ ચોરાયેલી બાઇક મીરા રોડ રેલવે-સ્ટેશન પાસે ત્રણથી ચાર દિવસ સુધી પાર્ક કરી રાખ્યા બાદ કાર ટ્રેડ એક્સચેન્જ પ્લૅટફૉર્મથી ટૂ-વ્હીલરના સાચા માલિકના નામ અને અન્ય વિગતો મેળવતા હતા. પછી સરકારની જ MParivahan ઍપ્લિકેશન યુઝ કરીને સાચા માલિકની માહિતી ઍક્સેસ કરીને ખોટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) બુક, ફેક રજિસ્ટ્રેશન પ્લેટ બનાવી વાહનો વેચતા હતા.
પોલીસે આપેલી માહિતી મુજબ RC બુક સહિતના દસ્તાવેજો બનાવ્યા બાદ ચોરો વાહનોને ઑનલાઇન માર્કેટમાં વેચતા હતા. તેમણે હીરાનંદાની એસ્ટેટમાંથી અમુક બાઇક ચોરી હતી જેમાંથી એક બુલેટ એક લાખ રૂપિયામાં, અન્ય દોઢ લાખ રૂપિયામાં વેચી હતી. જ્યારે બર્ગમૅન જેવી બાઇક ૭૦,૦૦૦ તથા ૮૦,૦૦૦ રૂપિયામાં વેચી હતી.