કૉન્ટ્રૅક્ટર્સ સામે સુધરાઈ ઝૂકી ગઈ

23 October, 2021 09:53 AM IST  |  Mumbai | Chetna Sadadekar

કામ પૂરું થયા બાદ ૮૦ ટકા અને બાકીના ૨૦ ટકા દસ વર્ષના અંતે આપવામાં આવતા હતા જે હવે બદલીને છઠ્ઠા વર્ષથી દર વર્ષે ચાર ટકા આપવામાં આવશે

દહિસર ફ્લાયઓવર પર ખાડા પાસેથી પસાર થઈ રહેલાં વાહનો.

શહેરના રોડ-વર્ક્સ માટેની નવી ટેન્ડર શરતોના ભાગરૂપે બીએમસી છઠ્ઠા વર્ષથી કુલ ખર્ચની ૨૦ ટકા રકમ કૉન્ટ્રૅક્ટરોને ટુકડે-ટુકડે આપશે. આ રકમ રોડ-વર્ક્સ માટે છે, જેનો ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ (ડીએલપી) ૧૦ વર્ષનો છે. આશરે દોઢ વર્ષ પહેલાં બીએમસીના ભૂતપૂર્વ કમિશનરે સૌપ્રથમ વાર ૬૦:૪૦ પેમેન્ટની પદ્ધતિનો અમલ કર્યો ત્યારે બીએમસીને રોડ કૉન્ટ્રૅક્ટ માટે ઊંચી રકમની બીડ મળી હતી, જે પછીથી વાટાઘાટ કરીને ઓછી કરવામાં આવી હતી. એને પગલે તેમણે ચુકવણીનો ગુણોત્તર ૮૦:૨૦ રાખવાનો નિર્ણય લીધો હતો, જેમાં ૮૦ ટકા રકમ રોડ-વર્ક્સ પૂર્ણ થયા બાદ અને ૨૦ ટકા રકમ ૧૦ વર્ષ બાદ આપવામાં આવે છે.
બીએમસી અધિકારીઓએ બીડિંગ અગાઉની બે બેઠકો દરમ્યાન જણાવ્યું હતું કે આ વખતે બીડ્ઝ અંદાજિત મૂલ્યથી ઊંચી જવાની શક્યતા નહીંવત્ છે. ટેન્ડરની શરતો બદલવામાં આવી હતી અને હજી બે સપ્તાહ અગાઉ જ નવાં ટેન્ડર્સ જારી કરવામાં આવ્યાં હતાં, કારણ કે ૧૧૦૦ કરોડ રૂપિયાના રોડ-વર્ક્સ માટે આવેલી બીડ્સ અંદાજિત મૂલ્ય કરતાં ૩૦ ટકા ઓછી કિંમતની હતી. એ પછીથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલારાસુએ ટીકા કરી હતી.
બીએમસીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ વખતે આવેલી બીડ્સ અંદાજ કરતાં ખાસ ઊંચી નથી, કારણ કે ચુકવણી પાંચ વર્ષ બાદ તબક્કાવાર કરાશે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો અંદાજ કરતાં ૩૦ ટકા ઓછી કિંમતે કામ કરી શકતા હોય તો તેઓ ૮૦:૨૦ના ચુકવણી દર પર પણ કામ કરી શકે છે. જોકે આ વખતે અમે તેમને જવાબદાર ઠેરવી શકીએ છીએ અને ચુકવણી પણ અટકાવી શકીએ છીએ.
૧૦ વર્ષનો ડીએલપી ધરાવતા રોડ-વર્ક્સ હેઠળ કૉન્ટ્રૅક્ટરોને છઠ્ઠા વર્ષથી તબક્કાવાર ચુકવણી કરવાનું શરૂ થશે, જેનો અર્થ એ કે રકમને માત્ર પાંચ વર્ષ સુધી બ્લૉક કરવામાં આવશે. બીએમસીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ૮૦ ટકાની પ્રારંભિક ચુકવણી કામ પૂરું થયા બાદ તેની ગુણવત્તાની ખરાઈ થયા પછી ચૂકવવામાં આવે છે અને ત્યાર બાદ ચુકવણીમાં આગામી પાંચ વર્ષનો વિરામ રહે છે, કારણ કે પ્રારંભનાં ત્રણ વર્ષ સુધી સામાન્ય રીતે રોડની સ્થિતિ સારી રહેતી હોય છે અને ગુણવત્તાનું માપન થઈ શકતું નથી, પણ જો તે પછી પણ ગુણવત્તા સારી રહે તો અમે છઠ્ઠા વર્ષથી ચાર ટકા પ્રતિ વર્ષના દરે બાકીની રકમ ચૂકવવાનું શરૂ કરીશું. ૧૦ વર્ષ પૂરાં થયાં બાદ બાકીની ૪ ટકા રકમ આપવામાં આવશે. એનાથી ગુણવત્તા જળવાય તે સુનિશ્ચિત થશે અને કૉન્ટ્રૅક્ટરો પણ ધ્યાનપૂર્વક કામ કરશે.

Mumbai mumbai news