21 December, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-ઈસ્ટના આનંદનગર ટોલનાકા પર ગઈ કાલે વહેલી સવારે નાકાબંધીમાં વાહનોની ઝડતી લેવા દરમ્યાન એક ટેમ્પોમાંથી આશરે ૮૦૦ કિલો ગૌમાંસ પકડાયું હતું. આ મામલે નવઘર પોલીસે ૧૯ વર્ષના ટેમ્પો-ડ્રાઇવર અહમદ બેગ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અહિલ્યાનગરના સુલતાનપુર વિસ્તારમાં ૨૦ ગાયોની કતલ કરીને એનું માંસ મનીષ માર્કેટ લઈ જવાતું હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી. આ કેસમાં પોલીસે જે વિસ્તારમાં ગાયોની કતલ કરવામાં આવી હતી એની માહિતી મેળવીને તપાસ હાથ ધરી છે. એ ઉપરાંત એ માંસ ક્યાં લઈ જવાઈ રહ્યું હતું એની માહિતી ભેગી કરી રહી છે.
નવઘર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૬ વાગ્યે આનંદનગર ટોલનાકા પર થાણેની દિશામાંથી મુંબઈ તરફના રસ્તા પર નાકાબંધી કરવામાં આવી હતી એ દરમ્યાન એક ટેમ્પો પર શંકા જતાં એની ઝડતી લેવામાં આવી ત્યારે અંદરથી ૮૦૦ કિલો ગૌમાંસ મળ્યું હતું. ટેમ્પો-ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેણે ટેમ્પોમાં ગૌમાંસ હોવાની કબૂલાત કરી એ પછી ગૌમાંસ સાથે ટેમ્પો પણ જપ્ત કર્યો હતો. આ કેસમાં અહમદની ધરપકડ કરીને અન્ય આરોપીઓની તપાસ હાથ ધરી છે.’