મતદાન કર્યાના ત્રણ જ કલાકમાં થયું મૃત્યુ

24 April, 2024 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુલઢાણાનાં ૮૬ વર્ષનાં વૃદ્ધાએ દુનિયા છોડતાં પહેલાં ફરજ બજાવી

અનુસયા નારાયણ વાનખેડે

ઇલેક્શન કમિશને લોકસભાની આ ચૂંટણીમાં પહેલી વખત ૮૫ વર્ષથી મોટી ઉંમરના લોકો અને ૪૦ ટકાથી વધુ દિવ્યાંગ હોય એવી વ્યક્તિઓ માટે ઘેરબેઠાં પોસ્ટલ બૅલટથી ઍડ્વાન્સમાં મતદાન કરવાની સુવિધા શરૂ કરી છે. આની પાછળ ચૂંટણીમાં એક પણ મત બેકાર ન જાય અને અતિવૃદ્ધ અને જેમને હરવા-ફરવામાં મુશ્કેલી થતી હોય એવા લોકો પણ મતદાન કરી શકે એવો આશય છે. લોકસભાની બીજા તબક્કાની બુલઢાણા સહિતની ૮ બેઠકોની ચૂંટણી ૨૬ એપ્રિલે એટલે કે શુક્રવારે થવાની છે. ૨૧ એપ્રિલથી સ્થાનિક પ્રશાસને બુલઢાણા બેઠકમાં બૅલટ પેપરથી મતદાન કરવાની શરૂઆત કરી હતી. આ બેઠકના ૨૨૪ નંબરના બૂથના ઇન્ચાર્જ સંજય સાતવે ૮૬ વર્ષનાં મતદાર અનુસયા નારાયણ વાનખેડેના ઘરે જઈને બપોરના બાર વાગ્યે મત નોંધ્યો હતો. મત નોંધ્યા બાદ ચૂંટણીપંચની ટીમ જતી રહી હતી, પણ બાદમાં ખ્યાલ આવ્યો હતો કે ત્રણ વાગ્યે અનુસયા વાનખેડેનું મૃત્યુ થયું છે. આમ મતદારે આ દુનિયાને અલવિદા કરતાં પહેલાં મત આપીને લોકતંત્રની 
ફરજ નિભાવી હતી. ઇલેક્શન કમિશનની નવી સુવિધાથી આ શક્ય બન્યું છે. આ બેઠક પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેનાના પ્રતાપરાવ જાધવ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નરેન્દ્ર ખેડેકર વચ્ચે મુખ્ય મુકાબલો છે.

mumbai news mumbai maharashtra news Lok Sabha Election 2024 election commission of india